કૃષિ:જિલ્લામાં ત્રણ ડેમમાંથી 2180 હેક્ટરમાં સિંચાઈ માટે 569 એમસીએફટી પાણી આપવાનું આયોજન

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી, ધારી, વડીયાના 32 ગામના ખેડૂતોને ઉનાળુ વાવેતરમાં ફાયદો

અમરેલી જિલ્લામાં 10 જળાશયો આવેલા છે. ઓણસાલ ખોડિયાર, વડી અને વડીયા ડેમમાંથી 2180 હેક્ટરમાં સિંચાઈ માટે 569 એમસીએફટી પાણી કેનાલ મારફત આપવાનું સિંચાઈ વિભાગે આયોજન કર્યું છે. અમરેલી, ધારી અને વડીયા તાલુકાના જુદા જુદા 32 ગામના ખેડૂતોને ઉનાળું વાવેતર માટે ફાયદો થશે. ખોડિયાર ડેમમાં 82 કિલોમીટર મુખ્ય અને પેટા કેનાલ મારફત 19 ગામમાં સૌથી વધારે 1500 હેક્ટરમાં પાણી પહોંચાડવામાં આવે છે.

જિલ્લામાં ઓણસાલ ભરપુર માત્રામાં વરસાદ પડ્યો હતો. જેના કારણે જળાશયો છલોછલ થયા હતા. પણ ઉનાળાની શરૂઆતમાં અત્યારે જિલ્લાના વડીમાં 34, ઠેબીમાં 41, ધાતરવડી1માં 91, ધાતરવડી 2માં 87, ખોડિયારમાં 69, મુંજીયાસરમાં 74, વડીયામાં 43, શેલદેદુમલમાં 57, સુરજવડીમાં 51 અને રાયડી ડેમમાં 13 ટકા જેટલો પાણીનો જથ્થો છે. અહી ઠેબીમાંથી અમરેલી, ધાતરવડી 1માંથી રાજુલા અને જાફરાબાદ અને ખોડિયાર ડેમમાંથી ચલાલા અને વિસાવદર નગરપાલિકા પાણીનો જથ્થો ઉપાડે છે. અહી લોકોને પીવાનું પાણી પુરૂ પાડવા ડેમમાં પાણીનો જથ્થો રીર્જવમાં રખાયો છે.

ઓણસાલ સિંચાઈ માટે ખોડિયાર , વડી અને વડીયા ડેમમાંથી કેનાલમાં પાણી છોડવાનું આયોજન કરાયું છે. જેમાં ખોડિયાર ડેમમાં 19 ગામમાં 1500 હેક્ટર માટે 280 એમસીએફટી, વડીમાં 9 ગામમાં 180 હેક્ટર માટે 139 એમસીએફટી અને વડીયામાં 4 ગામમાં 500 હેક્ટર માટે 150 એમસીએફટી પાણી અપાશે. જેના માટે ખેડૂતો પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવશે.

ખેડૂતો માંગણી કરશે તો અન્ય ડેમમાંથી સિંચાઈનું આયોજન થશે
​​​​​​​અમરેલી જિલ્લા સિંચાઈ વિભાગના રાઠોડભાઈએ જણાવ્યું હતું કે અત્યારે ત્રણ ડેમમાંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવાનું આયોજન કરાયું છે. આગામી દિવસોમાં જિલ્લાના અન્ય ડેમમાંથી પાણી આપવા માટે ખેડૂતો માંગણી કરશે. તો તેમાં પણ પાણી આપવા માટે આયોજન કરાશે.

ક્યા ગામને સિંચાઈ માટે લાભ મળશે
​​​​​​​જિલ્લામાં ત્રણ ડેમમાંથી પાણી આપવાના આયોજનમાં મેડી તરવડા, સાજીયાવદર, વાંકીયા, કેરીયાચાડ, દેવરાજીયા, તરકતળાવ, પિઠવાજાળ, રાજસ્થળી, સોનારીયા, શંભુપરા, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લાપાળીયા, ખડખંભાળીયા, ચાંડગઢ, માળીલા, ચલાલા, કથીરવદર, ગરમલી, ચરખા, માંગવાપાળ, અમરેલી, નવા ખિજડીયા, ગાવડકા, નાના ભંડારીયા, વેણીવદર, પીપળલગ, મોટા આંકડીયા, વડીયા, બાંટવા દેવળી, ચારણીયા અને સ્ટેશન વાવડીને સિંચાઈ માટે ફાયદો થશે

અન્ય સમાચારો પણ છે...