જંગલી ભૂંડનો આતંક:અમરેલીના જીકાદરી ગામમાં ખેત મજૂરી કરતા વૃદ્ધા પર ભૂંડનો હુમલો, સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીપડા સિંહ દ્વારા વધતા જતા હુમલા બાદ હવે જંગલી ભૂંડ પણ રેવન્યુ વિસ્તારમાં ખૂંખાર બન્યા

અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વન્યપ્રાણીનો વસવાટ વધી રહ્યો છે એ રીતે હવે આતંક પણ વધ્યો છે. આજે જાફરાબાદ તાલુકામાં જંગલી ભૂંડે એક વૃદ્ધા પર હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાનું મોત નિપજતા ચકચાર મચી છે. ઘટનાના પગલે જાફરાબાદ વનવિભાગની ટીમ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે.

વૃદ્ધા પર હુમલો કરી લોહીલુહાણ કરી મૂક્યા
જાફરાબાદ તાલુકાના હલુબેન ઝાખરા નામના 65 વર્ષીય વૃદ્ધા સીમ વિસ્તારમાં હતા ત્યારે આવી ચડેલા જંગલી ભૂંડે હલુબેન પર હુમલો કર્યો હતો. હુમલાના કારણે હલુબેન લોહીલુહાણ થયા હતા. ગંભીર હાલતમાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, ખાંભા હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જાફરાબાદ વનવિભાગની ટીમ ઘટનાસ્તળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. મૃતક મહિલા ખાંભા તાલુકાના બગોયા ગામના રહેવાસી હતા અને જીકાદરી ગામે મજૂરી કામ માટે રહેતા હતા.

વન્યપ્રાણીનો આતંક વધી રહ્યો છે
વન્યપ્રાણીનો આતંક સમગ્ર જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં દિનપ્રતિદિન વધી રહ્યો છે જેના કારણે ગઈ કાલે ધારીના મીઠાપુર ગામના એક માલધારી યુવક પશુ ચરાવતો હતો અને સિંહણ દ્વારા હુમલો કર્યો હતો તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 3 દિવસ પહેલા સાવરકુંડલા તાલુકા જાબાળ ગામની 50 વર્ષીય મહિલાને દીપડાએ ફાડી ખાતા તેમનું મોત નીપજ્યું છે. અગાઉ સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામમાં અને રાજુલા તાલુકાના ધારેશ્વર ગામના 1 ખેડૂત ઉપર જંગલી ભૂંડે હુમલો કર્યો હતો આમ આજે જંગલી ભૂંડના હુમલાની ત્રીજી ઘટના સામે આવી છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ વધી રહ્યો છે.​​​​​​​

જંગલની ભૂંડની વર્ષોથી સરકારમાં રજૂઆતો કોઈ પરિણામ નહીં
​​​​​​​
અમરેલી જિલ્લામાં કિસાન સંઘ સહિત ખેડૂત સંગઠનો દ્વારા જંગલી ભૂંડના આતંકની વાંરવાર રજૂઆતો સરકાર સુધી પણ કરી છે કેમ કે જંગલી ભૂંડ ખેડૂતોના પાકને પણ નુકસાન કરી રહ્યા છે. હવે તેમનું વર્ચસ્વ જમાવવા માટે ખેતરોમાં કામ કરતા લોકોને વધુ ટાર્ગેટ કરી રહ્યા છે જેના કારણે વધુ મુશેકલીઓ વધી રહી છે.

જાફરાબાદ તાલુકાના કોંગ્રેસ અગ્રણી ટીકુભાઈ વરૂ એ જણાવ્યું અહીં વન્યપ્રાણીનો આતંક વધ્યો છે વનવિભાગ પેટ્રોલિંગ વધારી ખેડૂતો, મજૂરોની સુરક્ષા વધારવાની જરૂર છે અને વાંરવાર ભૂંડના હુમલા વધી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં સતત લોકો જીવ બચાવવા દોડી રહ્યા છે. આજે ગરિબ પરિવારની મહિલાએ જીવ ગુમાવ્યો રાજય સરકાર આ મૃતક મહિલાના પરિવારને તાકીદે વળતર ચૂકવવે તેવી મારી માંગ છે હું કલેકટર સહિત વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને પત્ર પણ લખી રહ્યો છું.

અન્ય સમાચારો પણ છે...