બેફામ રેત માફિયાઓ:જે ટ્રક પોલીસ સ્ટેશનમાં પડ્યા છે તેના નામની પણ પરમીટો નીકળી

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેતીના સ્ટોકની પરમીટ ધરાવનારાઓનું કારસ્તાન : શેત્રુજી અને શેલ નદીમાંથી ખુલ્લેઆમ રેતી ચોરી

અમરેલી જિલ્લામા બેફામ રેત ચોરી ચાલી રહી છે. તંત્ર અને રેતીનો સ્ટોકની પરમીટ ધરાવનારા રેત માફિયાઓએ હદ ત્યારે કરી નાખી જયારે પોલીસે જે ટ્રકને રેત ચોરીમા પકડયા છે અને જે ટ્રકો પોલીસ મથકોમા પડયા છે તે ટ્રકના પણ રોયલ્ટીના પાસ ઇસ્યુ કરી દીધા. હવે સમગ્ર મામલાની પોલીસ અને ખાણ ખનીજ વિભાગમા રજુઆત થતા તંત્ર દોડતુ થઇ ગયુ છે.

અમરેલી જિલ્લામા રેતીના સ્ટોકની પરમીટો જાણે શેત્રુજી અને અન્ય નદીઓમાથી બેફામ રેતી ચોરી કરવા માટે જ આપવામા આવે છે. સ્ટોક પરમીટ ધારકો રોયલ્ટીના પાસ ઇસ્યુ કરે છે. પરંતુ રેતી આપતા નથી. રેત માફિયાઓ આ પાસના આધારે શેત્રુજી અને શેલ અને અન્ય નદીમાથી બેફામ રેત ચોરી કરે છે. સમગ્ર તંત્રની મીલીભગતથી આ કારસો ગોઠવવામા આવ્યો છે. અમરેલી, લીલીયા, સાવરકુંડલા પંથકમા આ પ્રમાણે વ્યાપક રેત ચોરી થાય છે.

અમરેલીમા ચક્કરગઢ રોડ પર રહેતા રમેશભાઇ ધાનાણીએ આજે આ બારામા ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્રને લેખિતમા ફરિયાદ કરી હતી. સાવરકુંડલા તાલુકાના સીમરણની સીમમા શેલ નદીમાથી મોટા પ્રમાણમા રેતી ભરવામા આવે છે. જે પરમીટ ધારકો પાસે રેતી નથી તેના ખોટા પાસથી દિવસ રાત ડમ્પરો ચલાવવામા આવે છે.

અમરેલી તાલુકા પોલીસે ઘણા સમય પહેલા જીજે 04 યુ 9855 અને જીજે 16 એકસ 6937 નામના ડમ્પરને રેત ચોરીમા ઝડપ્યા હતા. હાલમા પણ બંને ડમ્પર પોલીસના કબજામા છે. રાજસ્થળીની પેઢીએ તારીખ 6 અને 7ના રોજ પોલીસના કબજામા રહેલા આ ડમ્પરોના રોયલ્ટી પાસ કાઢી આપ્યા હતા. આમ સ્ટોક લાયસન્સના નામે અહી ખુલ્લેઆમ ગેરરીતિ કરવામા આવી રહી છે. જો કે પુરાવા સહિત રજુઆત બાદ આજે પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઇ હતી.

ગેરરીતિ જણાશે તો પગલા લેવાશે: ભૂસ્તરશાસ્ત્રી
અમરેલીના ભુસ્તરશાસ્ત્રી સુમીત ચૌહાણે જણાવ્યું હતુ કે મને આ પ્રકારની રજુઆત મળી છે અને મે તે દિશામા તપાસ શરૂ કરાવી છે. ઇન્વેસ્ટીગેશનમા જો કોઇ ગેરરીતિ થયાનુ જણાશે તો જવાબદારો સામે પગલા લેવામા આવશે.

માત્ર રોયલ્ટી પાસ આપવાનો રેતી નહી
રેતીના સ્ટોક હોલ્ડરો પણ અહી તગડી કમાણી કરી રહ્યાં છે. કાગળ પર ભાદર કે અન્ય નદીમાથી રેતી અહી લાવી સ્ટોક કર્યાનુ ચિત્ર બનાવાય છે. અને બાદમા તે રેતી વેચ્યાનો રેતી પાસ અપાય છે. પરંતુ હકિકતમા માત્ર પાસ અપાય છે રેતી તો શેત્રુજી અને અન્ય નદીમાથી સીધી જ ઉપાડી જવાય છે.

સ્ટોક હોલ્ડર્સ સાથે કર્મીની ભાગીદારી
આ વિસ્તારના બધા સ્ટોકનુ સંચાલન એક જ વ્યકિત દ્વારા કરવામા આવે છે. એટલુ જ નહી સ્ટોક હોલ્ડર સાથે ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓની ભાગીદારી હોવાની પણ છેક મુખ્યમંત્રી સુધી રજુઆત કરાઇ છે.

બંને ટ્રક અમારા કબજામાં છે
અમરેલી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ સરવૈયાએ જણાવ્યું હતુ કે આ બંને ટ્રકને અગાઉ રેતી ચોરીમા ઝડપ્યા હતા અને ઘણા સમયથી બંને ટ્રક અમારા કબજામા છે.> સરવૈયા

શેલ નદીમાં દિવસ રાત 25 ડમ્પરો દોડે છે
શેલ નદીમાથી માત્ર રાત્રે નહી દિવસે પણ ખુલ્લેઆમ રેતી ચોરી કરાઇ છે. અહી 25 જેટલા ડમ્પર દિવસ રાત દોડે છે. ઉપરાંત બે લોડર પણ કામ કરી રહ્યાં છે.

જિલ્લામાં ત્રણ સ્થળેથી રેતી ચોરી ઝડપાઇ
અમરેલી |સાવરકુંડલા તાલુકાના ભુવામા ખારી નદીના પટમાથી બે ટ્રેકટરમા કોઇપણ પાસ પરમીટ કે લીઝ વગર ગેરકાયદે રેતી ચોરી કરવામા આવી રહી હોય પોલીસે ઝડપી લીધી હતી. પોલીસે મુકેશ ઉર્ફે ઘુઘો શાંતુભાઇ વાળા અને અનીલ બાવભાઇ વડેચા નામના શખ્સો સામે ગુનો નોંધી અહીથી રેતી અને બે ટ્રેકટર મળી 5.28 લાખનો મુદામાલ કબજે લીધો હતો. જયારે વડીયાના બરવાળા બાવીશીમા પણ પોલીસે રેતી ચોરી ઝડપી લઇ પ્રફુલ જીવરાજભાઇ ચૌહાણ નામના શખ્સ સામે ગુનો નોંધી 1.51 લાખનો મુદામાલ કબજે લીધો હતો.

આ ઉપરાંત પોલીસે લીલીયાના પુંજાપાદરમાથી રેતી ભરીને પસાર થતા ત્રણ ટ્રેકટરોને અટકાવી ચાલકની પુછપરછ કરતા તેણે ભેંસવડી ગામની શેત્રુજી નદીના પટમાથી રેતી ચોરી કરી હોવાનુ જણાતા પોલીસે ગોપાલ સંજય વાઘેલા, મનસુખ ભાનુ વાઘેલા અને મુકેશ કનુ વાઘેલા નામના શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. અહીથી પોલીસે રેતી અને ટ્રેકટરો મળી 12 લાખનો મુદામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...