પજવણી:સાવરકુંડલા રેન્જના રેવન્યૂ વિસ્તારમાં ત્રણ સિંહે મારણ કર્યુ, લોકોએ મિજબાની માણી રહેલા સાવજો પર વાહનોની લાઈટનો મારો ચલાવી પરેશાન કર્યા, વીડિયો વાઈરલ

ખાંભાએક વર્ષ પહેલા
સારવકુંડલા રેન્જમાં ત્રણ સિંહની પજવણીનો વીડિયો વાઈરલ થયો - Divya Bhaskar
સારવકુંડલા રેન્જમાં ત્રણ સિંહની પજવણીનો વીડિયો વાઈરલ થયો
  • વીડિયોમાં ટ્રેક્ટર જેવા વાહનનો અવાજ સંભળાય રહ્યો છે

સાવરકુંડલા રેન્જના રેવન્યૂ વિસ્તારમાં સિંહની પજવણીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેમાં ત્રણ સિંહોના ગ્રુપે એક પશુનું મારણ કર્યુ હતું. મિજબાની માણી રહેલા ત્રણેય સાવજો પર હાથ બત્તી અને વાહનોની લાઈટનો મારો ચલાવી પરેશાન કર્યા હતા. વીડિયોમાં ટ્રેક્ટર જેવા વાહનનો અવાજ સંભળાય રહ્યો છે. સિંહોની પજવણીના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે ત્યારે સિંહપ્રેમીઓએ આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી રહ્યાં છે.

એક વ્યક્તિ ફોનમાં વાત કરી રહ્યો છે
સિંહોની પજવણીના વાઈરલ વીડિયોમાં એક વ્યક્તિ ફોન કરી માહિતી આપી રહ્યો હોય તેવું સંભળાય છે. વીડિયોમાં એક સિંહ આરામ ફરમાવી રહ્યો છે અને બે સિંહ મિજબાની માણતા નજરે પડે છે. વીડિયોમાં ટ્રેક્ટરમાં આવેલા લોકો સિંહની પજવણી કરવા માટે અવાજ પણ કરી રહ્યાં છે. જો કે, સિંહો આરામથી મિજબાની માણી રહ્યાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

આ પણ વાંચોઃ ગીરમાં પશુનું મારણ કરાવી સિંહની પજવણી કરી વીડિયો વાઈરલ કરનાર ત્રણ શખ્સોની જામવાળા વન વિભાગે ધરપકડ કરી

એક મહિના પહેલા ગીર પંથકમાં સિંહ પાછળ કાર દોડાવી પજવણી કરી હતી
ગીર પંથકમાં સિંહોની પજવણીની ઘટના અવારનવાર સામે આવી રહી છે. એક મહિના પહેલા પણ પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયો મુજબ કારચાલક સિંહ પાછળ કાર દોડાવે છે અને સિંહની પજવણી કરી રહ્યો હોવાનું વીડિયોમાં જોવા મળ્યું હતું. આ વીડિયો વાઈરલ થતાં સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.

(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)