દરખાસ્ત:પંચાયતના 128 કર્મીની બદલીની દરખાસ્ત પેન્ડીંગ

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ફેરની બદલીની અરજી લેવાનું પણ બંધ : તલાટીની 40 ટકા જગ્યા ખાલી તેવી સ્થિતિમાં 80 તલાટી જિલ્લામાંથી જવાની રાહમાં

અમરેલી જિલ્લા પંચાયતમા વિવિધ વિભાગમા ફરજ બજાવતા 128 કર્મચારીઓ અમરેલી જિલ્લામાથી અન્ય જિલ્લામા બદલી કરવા માંગે છે. પરંતુ આ તમામ બદલીની દરખાસ્ત લાંબા સમયથી પેન્ડીંગ છે. એક તરફ જિલ્લામા સ્ટાફની ભારે ઘટ છે તેવી સ્થિતિમા કર્મચારીઓની આ દરખાસ્ત મંજુર થઇ રહી નથી.

અમરેલી જિલ્લા પંચાયતના કેટલાક કર્મચારીઓએ તો છેક વર્ષ 2019મા જિલ્લા ફેર બદલી માટે દરખાસ્ત કરી દીધી છે. પંચાયતને કર્મચારીઓને એક પછી એક દરખાસ્ત મળી રહી છે. પરંતુ હાલના સંજોગોમા બદલીની એક પણ દરખાસ્ત મંજુર થઇ રહી નથી. તાજેતરમા રાજય સરકાર દ્વારા પતિ પત્ની જેવા કિસ્સામા જિલ્લા ફેર બદલી માટે સકારાત્મક વિચારણા કરવા જણાવ્યું હતુ. ત્યારે આ પ્રકારની બદલી ઇચ્છતા કર્મચારીઓમા નવી આશા જાગી છે. રાજયના અન્ય જિલ્લાઓમાથી અમરેલી જિલ્લામા ફરજ પર મુકાયેલા કર્મચારીઓ જાણે અમરેલી જિલ્લાને સજાનો જિલ્લો ગણે છે.

મોટાભાગના કર્મચારીઓ નોકરી મળતી હોય ત્યારે અમરેલી જિલ્લામા ફરજ સ્વીકારી લે છે. પરંતુ બાદમા થોડા સમય પછી પોતાના મનગમતા સ્થળે જવા માટે પ્રયત્નશીલ રહે છે. ખાસ કરીને તલાટી મંત્રીઓની જગ્યા અમરેલીમા મોટાભાગની ખાલી છે. 40 ટકાથી વધુ તલાટીઓની જગ્યા હજુ ભરાયેલી નથી. આવી સ્થિતિમા વધુ 80 તલાટી મંત્રીઓ અમરેલી જિલ્લામાથી અન્ય જિલ્લામા જવા માંગે છે. જો આ તમામ દરખાસ્ત મંજુર થઇ જાય તો અમરેલી જિલ્લામા તલાટી મંત્રીઓની ભારે અછત સર્જાશે. કારણ કે હાલમા જેટલા છે તેટલા તલાટીઓ પાસે પણ એકથી વધુ ગામોનો ચાર્જ છે.

બીજી તરફ અત્યાર સુધી જિલ્લા પંચાયતમા લેખિત અરજીઓ સ્વીકારવામા આવતી હતી. પરંતુ હવે રાજય સરકાર દ્વારા આ માટે પોર્ટલ બનાવવાની તૈયારી કરાઇ છે. જેને પગલે સ્થાનિક લેવલે જિલ્લા પંચાયતે ગત તારીખ 2/8થી નવી અરજીઓ સ્વીકારવાનુ બંધ કર્યુ છે. કર્મચારીઓને ચુંટણી પહેલા સરકાર જિલ્લા ફેરની બદલીના હુકમ કરી દેશે તેવી આશા છે.

અમરેલી જિલ્લામાં હાલ 519માંથી 229 તલાટીની જગ્યા ખાલી
અમરેલી જિલ્લામા હાલમા તલાટી મંત્રીની 519 જગ્યા છે. જે પૈકી 290 જગ્યા ભરાયેલી છે. જયારે 229 જગ્યા ખાલી છે. આ 290માથી 80 તલાટી પોતાના મનગમતા જિલ્લામા જવા પ્રયત્નશીલ છે. જો આ બદલીઓ મંજુર થશે તો જિલ્લામા તલાટીની 50 ટકાથી વધુ જગ્યા ખાલી થઇ જશે.

મોટાભાગની દરખાસ્ત ઉપર મોકલાઇ: ડીડીઓ
અમરેલી જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવે જણાવ્યું હતુ કે મોટાભાગની દરખાસ્ત અહીથી ઉપલી કચેરીમા મોકલી આપવામા આવી છે. જેમા વિકલાંગ, પતિ પત્ની વિગેરેના કિસ્સા છે. આ ઉપરાંત તલાટી મંત્રી સહિત અનેક દરખાસ્તો હજુ બાકી છે.> દિનેશ ગુરવે

​​​​​​​બદલીની દરખાસ્ત હવે ઓનલાઇન જ થશે: ડેપ્યુટી ડીડીઓ
​​​​​​​પંચાયતના મહેસુલ વિભાગના ડેપ્યુટી ડીડીઓ સી.ડી.રાઠવાએ જણાવ્યું હતુ કે હવે જિલ્લા કચેરીમા દરખાસ્ત સ્વીકારવામા આવતી નથી. હવે આવી બદલીઓની દરખાસ્ત ઓનલાઇન થઇ શકશે જેનો નિર્ણય પંચાયત વિભાગ કરશે.> સી. ડી. રાઠવા

અન્ય સમાચારો પણ છે...