ચીમકી:વડિયાના ગ્રામીણ વિસ્તારમાં એસ.ટીના રૂટ અનિયમિત હોવાથી મુસાફરો પરેશાન, ખડખડ ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમ ઉગ્ર રજૂઆત કરાઈ

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારીથી રાજકોટ વાયા વડિયાની બસ છેલ્લા ઘણા સમયથી બંધ એસ.ટી.ના રૂટ શરૂ નહિ થાય તો ઉપસરપંચની આગેવાનીમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી

અમેરલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં એસ.ટીના રૂટ અનિયમિત હોવાના કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે જિલ્લાના છેવાડાના વડિયા વિસ્તારના ખડખડ ગામમાં સેવાસેતું કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામલોકોએ નાની-મોટી વિવિધ રજૂઆત કરી હતી. ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી બસ રેગ્યુલર કરવાની રજૂઆત કરી હતી. ધારીથી રાજકોટ વાયા વડિયાની બસ છેલ્લા ઘણા સમયથી બંધ છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારના કેટલાય રૂટ અનિયમિત છે, જેના કારણે સ્થાનિકો પરેશાન છે.

આ મામલે વડિયા ગામના ઉપસરપંચ છગન ઢોલરીયાએ એસ.ટી.વિભાગના ડેપો મેનેજરને રજૂઆત કરી છે. જેમાં બસ નીયમિત શરૂ નહી થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.ઉપસરપંચ છગન ઢોલરીયાએ સરકારના સેવસેતુ કાર્યક્રમમાં રજુઆત કરી છે. ધારીથી રાજકોટના રૂટની બસ સહિત કેટલાય રૂટની બસો બંધ હોવાનું રજૂઆતમાં જણાવ્યું હતું. આ બસના રૂટ બંધ હોવાના કારણે વડિયાના લોકોને રાજકોટથી આવન-જાવન માટે મુશ્કેલી પડી રહી છે. ત્યારે એસ.ટી વિભાગ તાત્કાલીક આ રૂટ શરૂ કરે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ જો આ બધા રૂટ રેગ્યુલર કરવામાં નહી આવે તો વડીયા ગામ અને આસપાસના લોકો એસ.ટી.બસ રોકો આંદોલન કરશે તેવી ચીમકી પણ રજૂઆતમાં ઉચ્ચારવામાં આવી છે.

ગ્રામીણ વિસ્તારના એસ.ટી.બસના રૂટ અનિયમિત હોવાને કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે. આ ઉપરાંત ડ્રાઈવર અને કંડક્ટરના અભાવે પણ કેટલાટ રૂટ કેન્સલ થાય છે. આ અંગે સ્થાનીકોએ અનેકવાર રજૂઆતો કરીને રોષ પણ વ્યક્ત કર્યો હતો. તેમજ કેટલાક વિદ્યાર્થીઓએ ચક્કાજામ પણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...