રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે. તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા ભાગદોડ કરી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે અમરેલીમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય અને ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક ભાજપના કાર્યાલય પર પહોંચી ગયા હતા. અચાનક ભાજપના કાર્યાલયમાં ધાનાણીની એન્ટ્રી થતાં કાર્યાલયમાં સન્નાટો છવાઈ ગયો હતો. ધાનાણીએ પુરુષોતમ રૂપાલાને પગે લાગીને સાથે બેસીને ચાની ચૂસકી મારી હતી.
દાવ પેચ ભૂલી ચાની ચૂસકી
અમરેલીમાં ભાજપ કાર્યાલયમાં વહેલી સવારે પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા, ત્યારે અચાનક ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને લઘુબંધુ શરદ ધાનાણી ભાજપના કાર્યાલયમાં પ્રવેશતાં ઘડીભર માટે સન્નાટો કાર્યાલયમાં છવાઈ ગયો હતો. સૌપ્રથમ ધાનાણી પુરુષોત્તમ રૂપાલાને પગે લાગી આશીર્વાદ લીધા હતા. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે ભાજપના કાર્યાલયમાં રહેલા કાર્યકરો કોંગ્રેસના કાર્યકરોને અને મને આશીર્વાદ આપે. પરેશ ધાનાણીએ મોડી રાત્રે રાજકમલ ચોક ખાતે જંગી સભા યોજી હતી, જેમાં તેમણે ભાજપ પર અનેક આક્ષેપ કર્યા હતા. જોકે વહેલી સવારે ભાજપના જ કાર્યાલયમાં પહોંચી દાવપેચ ભૂલી ચાની ચૂસકી માણતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.
ધાનાણીએ ભાજપના ધરખમ નેતાઓને હરાવ્યા
ખેડૂત અને પાટીદાર સમાજની બહુમતીવાળા અમરેલી જિલ્લાની બધી બેઠકો પર ભાજપ ક્યારેય ભગવો નથી લહેરાવી શક્યો. ગઈ ચૂંટણીમાં પાટીદાર આંદોલનના વાવાઝોડામાં તો ભાજપનો સફાયો થયો હતો. જિલ્લાની પાંચેય બેઠક પર ભાજપની હાર થઈ હતી. એક સમયે ગુજરાતમાં સૌથી નાની ઉંમરે ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પરેશ ધાનાણીએ સતત બે ટર્મથી અમરેલી સીટ પર ભાજપના ધુરંધરોને માત આપી છે. ભાજપના ધરખમ નેતા રૂપાલા, સંઘાણી બાદ ગઈ ચૂંટણીમાં બાવકુ ઉંધાડ ધાનાણીએ હરાવ્યા હતા.
પરેશ ધાનાણીની રાજકીય સફર
પરેશ ધાનાણી વિદ્યાર્થી કાળથી જ NSUI અને યુથ કોંગ્રેસમાં સક્રિય હતા. જો તેમની રાજકીય સફરની વાત કરવામાં આવે તો તેઓ કોલેજકાળથી જ રાજકારણમાં આવવાના સપનાઓ જોતા હતા. વર્ષ 2000માં ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે સમાજસેવા માટે રાજકારણમાં જોડાવાનું નક્કી કર્યું. ચૂંટણી દરમિયાન તેઓ કોંગ્રેસી કાર્યકર તરીકે ઉમેદવારોની સ્લિપ વિતરણ કરવા જતા હતા. વર્ષ 2002માં તેમણે પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. માત્ર 26 વર્ષની ઉંમરે આ ચૂંટણીમાં પરેશ ધાનાણીએ ત્રણ વખતથી સતત જીતતા આવતાં ભાજપના કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલાને હરાવ્યા હતા અને જાયન્ટ કિલર તરીકે ઊભરી આવ્યા હતા.
ધાનાણીને રાહુલ ગાંધીના અંગત
વર્ષ 2007માં પરેશ ધાનાણીને દિલીપ સંઘાણી સામે 4 હજાર મતોથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પરેશ ધાનાણીએ દિલીપ સંઘાણીને કારમી હાર આપી હતી અને 2017માં ભાજપના બાવકુ ઉંધાડને પરાજય આપ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 30માંથી 23 બેઠક અપાવવામાં પરેશ ધાનાણીએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. ધાનાણી કોઈ રાજકીય વારસો ન ધરાવતા હોવા છતાં પોતાના કામના કારણે વિપક્ષ નેતાના પદ સુધી પહોંચ્યા છે. પરેશ ધાનાણીને રાહુલ ગાંધીના અંગત માનવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.