કોંગ્રેસ આક્રમક મૂડમાં:પોલીસ સાથે માથાકૂટ કરતા અમરેલીમાં પરેશ ધાનાણીની અટકાયત, બાબરાના MLA વિરજી ઠુમરની પોલીસે ટીંગાટોળી કરી

અમરેલી19 દિવસ પહેલા

મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. એને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સવારે 8થી 12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી છે. જેને લઇને રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાં અમરેલી શહેર બાબરા અને સાવરકુંડલામાં જ કોંગ્રેસનું વિરોધ પ્રદશન જોવા મળ્યું હતું. જેમાં બંધ કરાવવા નીકળેલા લાઠી-બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમરની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. જ્યારે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે રોડ વચ્ચે બેસી ચકાજામ કર્યો હતો, તો અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ પોલીસ સાથે રકઝક કરતા પોલીસે અંતે અટકાયત કરી હતી. આ તરફ જામનગરના ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો દુકાનો બંધ કરાવવા જતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેને લઇને પોલીસ આક્રમક બની હતી અને તમામની અટકાયત કરી હતી.

વિરજી ઠુમરની અટકાયત
ગુજરાત રાજ્યમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બંધના એલાનને લઈ કોંગ્રેસ સંગઠનો દ્વારા વિરોધ પ્રદશન કરી આક્રમણ રીતે સરકાર સામે સુત્રોચાર કર્યા હતા. મોટાભાગના કોંગી ધારાસભ્યો આ પ્રદર્શનમાં જોડાયા હતા અને બંધની અપીલ કરવા શહેરમાં જોવા મળ્યા હતા. મંદી, મોંઘવારી, બેરોજગારી, જી.એસ.ટી.જેવા વિવિધ મુદ્દે સ્વૈચ્છિક બંધ રાખવા માટેની અપીલ સાથે જોડાવવા કોંગ્રેસ દ્વારા આહવાન કરાયુ હતુ. અમરેલી જિલ્લામાં અમરેલી, લાઠી, સાવરકુંડલા ત્રણ વિધાનસભા સીટ ઉપર કોંગ્રેસના કાર્યકરો દ્વારા સુત્રોચાર વિરોધ પ્રદર્શન કરાયુ હતુ, જેના કારણે પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી. લાઠી બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમર સહિત કોંગી કાર્યકરો બંધ કરવા શહેરમાં નીકળ્યા હતા એ દરમિયાન બાબરા પોલીસ દ્વારા વિરજી ઠુમર સહિત કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. જેમાં ખાસ વિરજી ઠુમરની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

પરેશ ધાનાણીએ પોલીસ સાથે માથાકૂટ કરી
સાવરકુંડલા શહેરમાં ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત કોંગી હોદેદારો શહેરમાં બંધની અપીલ કરવા નીકળ્યા બાદ કેટલીક દુકાનોમાં ફરી બંધ કરાવી હતી. નાવલી ચોકમાં ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત કાર્યકરો રસ્તા વચ્ચે બેસી ચકાજામ કર્યો અને થોડીવાર માટે રસ્તો બ્લોક કર્યો હતો. જોકે, અહીં પોલીસ દ્વારા અટકાયત કરવામાં નહોતી આવી. અમરેલી શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી સહિત જિલા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગી કાર્યકરો બંધની અપીલ કરવા નીકળ્યા હતા, ત્યારે પોલીસ સાથે માથાકૂટ થતાં પોલીસે અટકાયત કરી હતી.

રાજૂલામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન નહીં!
પ્રદેશ કોંગ્રેસ દ્વારા બંધમાં જોડાવવા અપીલ કરી ઉપરાંત જે તે વિસ્તારના કોંગ્રેસના સંગઠનો અને ધારાસભ્યોએ શહેરમાં બંધ કરવા અપીલ કરવા માટે સૂચના આપવામા આવી હતી, પરંતુ રાજુલા જાફરાબાદ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યો બંધ કરાવવા જોવા નહોતા મળ્યા.અહીંના સ્થાનિક કોંગી નેતાઓ એવું માની રહ્યા છે કે બંધ કરાવવાથી તેના ઘેરાપ્રત્યાઘાતો વધુ પડે. જેના કારણે કોઈ કાર્યકરો બંધ કે અપીલ કરાવવવા નહોતા નીકળ્યા. આ ઉપરાંત ધારી બગસરા વિસ્તારમાં પણ કોંગ્રેસના કાર્યકરો બંધની અપીલ નહોતી કરી.

અન્ય સમાચારો પણ છે...