અમરેલી જિલ્લામાં વાવાઝોડાના કારણે 44 લોકોના મૃત્યુ થયા હોવાનું વહીવટીતંત્રએ જાહેર કર્યું હતું. પણ સહાય ચૂકવવા સમયે માત્ર 26 લોકોનું જ વાવાઝોડામાં મૃત્યુ થયાનું વહીવટી તંત્રએ થયાનું ગણી મૃત્યુ પામનાર 26 લોકોને વહીવટી તંત્રએ 1.04 કરોડની સહાય ચુકવી હતી. જે પરપ્રાંતિય મજૂરોના મોત થયા છે તેના વારસદારો હજુ તંત્રને મળતા નથી. જિલ્લામાં વાવાઝોડાના કારણે ચારેતરફ તબાહીનો મંજર જોવા મળ્યો હતો. જેના કારણે જાનમાલની મોટી ખુવારી થઈ હતી. અહીં ભારે પવન અને વરસાદના કારણે અકસ્માતની ઘટનાઓ બનવાથી 44 લોકોના મોત નિપજ્યા હતા.
જોકે વાસ્તવિક મૃત્યુ આંક તેનાથી પણ ઘણો વધારે હોવાનું કહેવાય છે. જિલ્લામાં વાવાઝોડા સમયે 44 માનવ મૃત્યુ થયા હોવાનું ખુદ જિલ્લા વહીવટી તંત્રએ જાહેર કર્યું હતું. જે બાદ વહીવટી તંત્રએ સરકાર દ્વારા અપાતી રૂપિયા 4 લાખની સહાય માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં માત્ર 26 મૃતકની 1.04 કરોડ સહાય મંજુર થઈ હતી. જિલ્લા વહીવટી તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે 26 મૃતકમાંથી 18 મૃતકના પરિવારજનોને સહાય ચુકવી દેવામાં આવી છે. બાકીના 8 રાજસ્થાન અને મધ્યપ્રદેશના વતની હોવાથી તેમના વારસદારની શોધખોળ શરૂ છે.
બાકીના મૃતકના પરિવારને સહાય મળવા પાત્ર છે કે નહી તે કમિટી નક્કી કરશે. વાવાઝોડાના કારણે ગ્રામીણ વિસ્તારમાં તંત્ર પણ બે-ત્રણ દિવસે માંડ પહોંચી શક્યું હતું. આવા સંજોગોમાં ગ્રામીણ વિસ્તારમાં મૃત્યુ પામેલા અનેક લોકોના તેના પરિજનોએ પોસ્ટમોર્ટમ કર્યા વગર જ અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. હવે આવા લોકોને સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આસરગ્રસ્ત લોકો એવું ઇચ્છી રહ્યા છે કે વહીવટીતંત્ર આવા પ્રકરણમાં માનવતાનું ધોરણ અપનાવે.
મૃત્યુ અંગે સરકારી ચોપડે નોંધ હોવી ફરજીયાત ?
અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે વાવાઝોડામાં મૃત્યુ પામનારનું સરકારી હોસ્પિટલમાં પી.એમ અને પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર એડી હોય તો જ સહાય ચૂકવવા પાત્ર બને છે.
ક્યાં તાલુકામાં કેટલા મૃતકના પરિવારને સહાય ચૂકવાઈ | |
રાજુલા | 7 |
સાવરકુંડલા | 7 |
જાફરાબાદ | 2 |
ખાંભા | 5 |
ધારી | 3 |
બગસરા | 2 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.