એજ્યુકેશન:દેવકામાં ત્રિ- દિવસીય એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલનું આયોજન

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારી વચ્ચે જિલ્લાભરની શાળામાંથી 1 શિક્ષકને હાજરી આપવા શિક્ષણ વિભાગનો હુકમ
  • શું આ કાર્યક્રમ શાળામાં કોરોના તો નહી નોતરે ને?

અમરેલી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણમાં નવતર પ્રયોગ કરનાર શિક્ષકોને પ્રેરિત કરવાના હેતુથી જિલ્લાકક્ષાએ એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલનું આયોજન કર્યું છે. અહી 9 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી રાજુલાના દેવકા વિદ્યાપીઠ ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં કોરોના મહામારી વચ્ચે જિલ્લાભરની પ્રાથમિક શાળામાંથી એક શિક્ષકને હાજરી આપવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવને હુકમ કર્યો છે.રાજુલાના દેવકા ખાતે યોજાનાર ઈનોવેશન ફેસ્ટીવલમાં 58 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

જેમાં શાળામાં નવતર પ્રયોગ કરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોની કૃતિઓ રજુ કરાશે. આ તમામ લોકો તો ત્રણ દિવસ સુધી શાળામાં જ રહેશે. ઉપરાંત જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાંથી ફરજીયાત એક શિક્ષકને હાજરી આપવા પણ આદેશ કરાયા છે. સાથે સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, શાસનાધિકારી, કેળવણી નિરીક્ષક, બીઆરસી- કો ઓર્ડિનેટર, બીઆરપી અને સીઆરસીએ પણ હાજરી આપશે. અમરેલી જિલ્લામાં કોરોના ફુફાડા મારી રહ્યો છે.

રાજુલા પંથકમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો કેસ પણ નોંધાઈ ગયો છે. તમામની વચ્ચે એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલમાં ત્રણ દિવસમાં હજારો શિક્ષકો હાજરી આપશે. આ કાર્યક્રમ કોરોનાનું સુપરપ્રેડર ન બને તો સારૂ પરંતુ રાજ્ય સરકાર વાઈબ્રન્ટ સમિટ મોકુફ કરી રહ્યું છે.

અમે આયોજન કર્યું નથી ડાયટે કર્યું છે
અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.જી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે રાજુલામાં જે ત્રણ દિવસ સુધી કાર્યક્રમનું આયોજન કરાયું છે. તે શિક્ષણ વિભાગે કર્યું નથી. પણ ડાયટ વિભાગે કર્યું છે. પણ આ અંગે ડાયટના પ્રાચાર્ય દક્ષાબેન પાઠકે તો જવાબ દેવાનું જ ટાળ્યું હતું.> એમ. જી. પ્રજાપતિ, શિક્ષણાધિકારી

​​​​​​​જમવાનું પણ આયોજન કરાયું છે
અમરેલી જિલ્લાના એક પ્રાથમિક શિક્ષકે નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન હજારો ભીડ એકઠી થશે. શિક્ષકો અને વિદ્યાર્થીઓની સાથે સામાન્ય લોકો પણ કાર્યક્રમને નિહાળવા માટે પહોંચશે. અહી જિલ્લાભરમાંથી આવતા શિક્ષકો માટે જમણવારનું પણ આયોજન કરાયું છે. આ તમામની વચ્ચે જો એક વ્યક્તિ કોરોના સાથે પ્રવેશી ગયો તો અન્ય છાત્રો અને શિક્ષકોનું શુ ?> પ્રાથમિક શાળાના શિક્ષક

અન્ય સમાચારો પણ છે...