અમરેલી નગરપાલિકા ભાજપ શાસિત છે ત્યારે નગરપાલિકા દ્વારા શહેરમાં ફાયર સેફ્ટીને લઈ કાર્યવાહી હાથ ધરી અનેક દુકાનો, હોસ્પિટલ સહિત કોપ્લેક્ષને સીલ મારવામાં આવ્યા છે. જોકે, નગરપાલિકાના નવા બિલ્ડીંગમાં જ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી કોંગ્રેસે અનેક સવાલો ઉઠાવ્યાં છે. કોંગ્રેસે કહ્યુ કે, પહેલા પાલિકામાં ફાયરના નિયમોનું પાલન કરો. આ ઉપરાત પાલિકાને ફાયર સેફ્ટીની ભેટ આપી અનોખો વિરોધ કર્યો છે.
શહેરમાં નગરપાલિકા દ્વારા 10 દિવસથી ફાયર સેફ્ટીની કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં ગઈકાલે 1 કેમ્પલેક્ષ, 1 ખાનગી હોસ્પિટલ અને કેટલીક દુકાનોમાં ફાયર NOC ન હોવાને કારણે સિલ મારવાની કાર્યવાહી કરાઈ હતી. પાલિકા દ્વારા શહેરમાં ફાયર સેફ્ટીને લઈ કાર્યવાહી શરૂ કરાતા કોંગ્રેસના અગ્રણીઓએ સવાલો ઉઠાવ્યા છે.
અમરેલી નગરપાલિકાના વિપક્ષના સદસ્યો દ્વારા નવતર વિરોધ કરવામાં આવ્યો હતો. નગરપાલિકામાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાને કારણે સવાલો ઉઠાવ્યા છે. નગરપાલિકાના નવા બિલ્ડીંગમાં ફાયર સેફટીની સુવિધા જ નથી. નવા બાંધકામ વખતે પાલિકા પહેલા ફાયર સેફ્ટીની તપાસ કરી NOC આપે છે, પરંતુ અહીં NOC નથી, ત્યારે ગંભીર બેદરકારી મુદ્દે સવાલો ઉઠાવ્યાં હતા.
વિપક્ષના નેતા રહીમ કુરેશી અને પાલિકાના કોંગ્રેસના ચૂંટાયેલા 9 જેટલા સદસ્યો દ્વારા એક નવતર વિરોધના ભાગ રૂપે ફાયર સેફ્ટીની ચીફ ઓફિસરને ભેટ આપી હતી અને કહ્યું કે, પહેલા નગરપાલિકાએ પોતાનું ઘર સાચવવુ જોઈએ પછી શહેરમાં કાર્યવાહી કરવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.