આવેદન:રોજગાર કચેરીમાં 23ના સ્ટાફ સામે માત્ર 2 જ કર્મચારી, તે પણ હંગામી

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુથ કોંગ્રેસે રોજગારી મુદ્દે રોજગાર કચેરીનો ઘેરાવ કર્યો : રેલી સાથે આવેદન પાઠવ્યું

યુથ કોંગ્રેસ દ્વારા રોજગારી મુદ્દે અમરેલી જિલ્લા રોજગારી કચેરીનો ઘેરાવ કાર્યક્રમ કર્યો હતો. પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ, અમરેલી અને સાવરકુંડલાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યાલયથી રોજગાર કચેરી સુધી સુત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ હતી. અહી રોજગાર કચેરીમાં જ 25ના મહેકમની સામે માત્ર 2 જ કર્મચારી હતા. બાકીની જગ્યા ખાલી હોવાનો યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતના બેરોજગાર યુવાનોના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત માંગે રોજગાર અધિકાર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

પ્રથમ ચરણમાં રોજગાર ક્યાં છે ? તે પ્રશ્ન અંતર્ગત અમરેલીમાં રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. ત્યારે અહી નવી વાત જાણવા મળી હતી કે 25ના મહેકમમાં માત્ર બે જ જગ્યા ભરેલી છે. 23 જગ્યા ખાલી છે. જે કચેરી રોજગાર આપે છે. તે કચેરીમાં સ્ટાફની ઘટ છે.

ગુજરાત યુથ કોંગ્રેસ બેરોજગારોની નોંધણી કરશે. બીજી તરફ અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે રોજગાર કચેરીની જ્યારે મુલાકાત લીધી છે. ત્યારે અહીની કચેરીમાં જ 95 ટકા જગ્યાઓ ખાલી છે. બે વ્યક્તિ આવેદન સ્વીકારવા હાજર હતા. તે પણ કોન્ટ્રાક્ટ ઉપર હતા. ત્યારે રોજગાર કચેરીમાં સ્ટાફની નિમણૂંક કરી યુવાનોને નોકરી આપવા તેણે માંગણી કરી હતી.

રોજગાર કચેરીમાં અધિકારીની નિમણૂંક કરો
જિલ્લા યુથ કોંગ્રેસે રોજગાર કચેરી ખાતે આવેદન આપવા પહોંચ્યા હતા. ત્યારે જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ દેવરાજભાઈ બાબરીયાએ યુવાનોની ફરિયાદ આવતી હોવાના આક્ષેપ કર્યા હતા અને અમરેલીની રોજગાર કચેરીમાં અધિકારીની નિમણૂંક કરવા માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...