50 કરોડથી વધુની સહાય:તાઉતેના 1 વર્ષ બાદ હવે જનજીવન પાટા પર, અમરેલી જિલ્લામાં 53 લોકોનો લેવાયો હતો ભોગ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક વર્ષ પહેલાની વાવાઝોડાની - ફાઇલ તસવીર. - Divya Bhaskar
એક વર્ષ પહેલાની વાવાઝોડાની - ફાઇલ તસવીર.
  • સરકારે 50 કરોડથી વધુ સહાય ચુકવી છતા અનેક લોકો હજુ સરકારી સહાયની રાહમાં

અમરેલી જિલ્લામા બરાબર એક વર્ષ પહેલા અરબી સમુદ્રમાથી ત્રાકટેલા તાઉતે વાવાઝોડાએ ભારે ખાનાખરાબી વેરી હતી. પરંતુ આટલા ટુંકાગાળામા વાવાઝોડાએ આપેલા ઘાવ ભુલી જઇ જનજીવનની ગાડી પાટા પર દોડવા લાગી છે. ઉદ્યોગ ગૃહો ફરી ધમધમતા થઇ ગયા છે. ખેડૂતો ખેતીમા લાગી ગયા છે. જો કે આ વાવાઝોડાની બુરી યાદો જનમાનસ પર સદાય માટે અંકિત રહેશે.

તાઉતે વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લામા 53 લોકોના મોત થયા હતા. સૌથી વધુ મોત રાજુલા જાફરાબાદ તાલુકામા થયા હતા. વાવાઝોડાની સૌથી માઠી અસર પણ દરિયાકાંઠાના આ બે તાલુકામા જોવા મળી હતી. મકાનોના નળીયા છાપરા ઉડી જવા કે મકાનો ધરાશાયી થવા અને ઘરવખરીને નુકશાન થવાનો સાચો આંક તો કયારેય બહાર આવી નહી શકે. કારણ કે બહુ મોટી સંખ્યામા લોકોએ સર્વેમા પોતાને થયેલુ નુકશાન જણાવ્યું ન હતુ.

સરકાર દ્વારા અમરેલી જિલ્લામા ઘરવખરી સહાય પેટે 34.95 કરોડની રકમ ચુકવવામા આવી હતી. જયારે માનવ મૃત્યુના કિસ્સામા 2.12 કરોડની સહાય ચુકવાઇ હતી. દરેક મૃતકના પરિજનને રૂપિયા 4 લાખ લેખે સહાય અપાઇ હતી. જિલ્લામા કેશડોલ્સ પેટે જ 17.24 લાખની સહાય અપાઇ હતી. જયારે 4.17 કરોડની પશુ મૃત્યુ સહાય અને 8.73 કરોડની મકાન સહાય ચુકવાઇ હતી.

તાઉતે વાવાઝોડાના ઘા આમ તો ન રૂઝાય તેવો હતો. અહીના મહાકાય ઉદ્યોગોને પણ અબજોનુ નુકશાન થયુ હતુ. પરંતુ એક જ વર્ષમા લોકો હવે તે ગોજારી રાતને ભુલી જઇ ફરી રાબેતા મુજબના જનજીવનમા ગોઠવાયા છે. મોટી નુકશાની વેઠનારા ઉદ્યોગગૃહો પણ ધમધમતા થઇ ગયા છે. જેથી સ્થાનિક લોકોને રોજગારી ફરી ચાલી નીકળી છે.

25 વર્ષ બાદ અમરેલી જિલ્લામાં ત્રાટક્યું હતું વિનાશક વાવાઝોડું
અમરેલી જિલ્લામા તાઉતે જેવુ જ ભયાનક વાવાઝેાડુ 1996ની સાલમા આવ્યું હતુ. આ વિસ્તારની 25 વર્ષ સુધીની યુવા પેઢીએ કયારેય વાવાઝોડુ જોયુ ન હતુ. તાઉતેની તબાહીનુ તાંડવ આ પેઢીને જોવા મળ્યું હતુ.

1 લાખ વીજપોલ ઉભા કરાયા
તાઉતે વાવાઝોડાએ અમરેલી જિલ્લામા વિજ કંપનીને મોટુ નુકશાન કર્યુ હતુ. અહી એક લાખથી વધુ વિજપોલ પડી ગયા હોય રાજયભરમાથી વિજકર્મીઓની ટીમો કામે લગાડાઇ હતી. જિલ્લામા અનેક વિસ્તારો એવા હતા જયાં ત્રણ મહિને પણ વિજ પુરવઠો પુવર્વત થઇ શકયો ન હતો. અમરેલી શહેરમા પણ પાંચ દિવસે વિજળી આવી હતી.

સાવરકુંડલાના મકાન માલિકો હજુ પણ સહાયની રાહમાં
સાવરકુંડલાના બચુભાઇ માણંદભાઇ રાઠોડ અને રામભાઇ માણંદભાઇ રાઠોડે આજે કલેકટરને રજુઆત કરી હતી કે વાવાઝેાડામા બંનેના મકાનો પડી ગયા હતા. પરંતુ હજુ સુધી સહાય ચુકવાઇ નથી. વિશ્વ માનવ અધિકાર પરિષદના પ્રમુખ જીતેન્દ્રભાઇ રાઠોડે જણાવ્યું હતુ કે બંને આજે પણ મકાન વિહોણા હોય તેમને તાકિદે સહાય ચુકવાઇ.

અન્ય સમાચારો પણ છે...