ત્રિપલ અકસ્માત:અમરેલીના બગસરા બાયપાસ પાસે બે બાઈક અને કાર વચ્ચે ટક્કર થતા એકનું મોત, ત્રણ ઘાયલ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી

અમરેલી જિલ્લામા આજે અકસ્માતની બીજી ઘટના સામે આવી રહી છે. બગસરા જેતપુર રોડ બાયપાસ નજીક બે બાઇક અને એક કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણને ગંભીર હાલતમાં દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

બગસરાના જેતપુર રોડ બાયપાસ નજીક સાંજના સમયે એક કાર અને બે બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. માણેકવાડા તરફથી આવી રહેલી મોટરકારના ચાલકે બગસરાથી માણેકવાડા તરફ જઇ રહેલા બે બાઇક સવારોને અડફેટે લીધા હતા. જેમાં લખુભાઇ દેવશીભાઇ સતાસિયા ઉંમર વર્ષ 40 રહેવાસી નાનામુંજીયાસર નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની વર્ષાબેન લખુભાઇ સતાસિયા ઉંમર વર્ષ 40 તેમજ મનસુખભાઈ ગોબરભાઇ માળવી ઉંમર વર્ષ 35 રહેવાસી મેઘાણીનગર બગસરા તેમજ તેમનો પુત્ર દીપ ઉંમર વર્ષ 6 ખૂબ જ ગંભીર હાલતમાં બગસરાના સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર અર્થે અમરેલી રિફર કરી દેવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે નાનામુંજીયાસર રહેવાસી લખુભાઇ તેમજ તેમના પત્ની આજે મતદાન માટે પોતાના વતન નાનામુંજીયાસર માં હજુ સવારે જ આવેલા હતા અને સાંજના સમયે પરત સુરત નીકળી જવાના હતા તે પૂર્વે જ લખુભાઇ સતાસીયા ને કાળ આંબી ગયો હતો. પોલીસ દ્વારા અમદાવાદના વાહનચાલક ભૂમિત નગીનભાઈ જીકાણી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...