તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોબાઇલ ફાટ્યો:રાજુલાના છતડિયા ગામમાં મોબાઇલ ફાટતાં એકને ઇજા, હોસ્પિટલમાં ખસેડાયો

અમરેલી22 દિવસ પહેલા
  • મોબાઇલ ફાટવાની ઘટનાથી પરિવાર ફફડી ઊઠ્યો

રાજુલાના છતડિયા ગામના માવજીભાઈ ભીખાભાઇ કવાડ નામની વ્યક્તિ ઘરે હતા ત્યારે તેમના હાથમાં રહેલો મોબાઈલ અચાનક ફાટતાં તેમને આંગળીઓમાં ઇજા પહોંચી હતી. મોટો અવાજ સાંભળી પરિવાર એકઠો થયો હતો. મોબાઈલ ફાટી જવાની ઘટનાથી સૌકોઈ ચોંકી ઊઠ્યા હતા. ઇજાગ્રસ્ત માવજીભાઈ કવાડને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ મોબાઈલ ફાટતાં થોડીવાર માટે પરિવારજનો પણ ચિંતા સાથે ડરના માહોલમાં આવી ગયાં હતાં અને મોબાઈલની તમામ સાધનસામગ્રી બહાર નીકળી જવા પામી હતી, પરંતુ કયા કારણોસર મોબાઈલ ફાટ્યો એ હજુ સુધી જાણી શકાયું નથી.

અગાઉ બાબરા મોબાઈલની દુકાનમાં ફાટ્યો હતો મોબાઈલ
તાજતેરમા થોડા દિવસો પહેલાં અમરેલી જિલ્લામાં આવેલા બાબરા શહેરની 1 મોબાઈલ દુકાનમાં કારીગર મોબાઈલ રિપેરિંગ કરતો હતો અને મોબાઈલ અચાનક ફાટતાં અફરાતફરી સર્જાય હતી. સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, ત્યારે આજે ફરી આ પ્રકારની ઘટના બની છે.

ઓગસ્ટમાં રાધનપુરમાં દુકાનમાં બેસેલા ગ્રાહકના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો હતો
27 ઓગસ્ટના રોજ રાધનપુરમાં એક દુકાનમાં બેસેલા ગ્રાહકના ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. ખિસ્સામાં રહેલા મોબાઈલમાંથી ધૂમાડા નીકળવા લાગતા ગ્રાહકે સૂચકતા વાપરીને મોબાઈલને ખિસ્સામાંથી બહાર ફેંકી દીધો હતો. મોબાઈલમાંથી ધૂમાડા નીકળતા એકસમયે હાજર લોકોમાં અફરાતફરી જોવા મળી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. સવારે 9થી 10 વાગ્યાની આસપાસ ભાડીયા ગામના રહેવાસી રામચંદભાઈ ઠાકોર દુકાને આવ્યા હતા. રામચંદભાઈ દુકાનના માલિક પપ્પુભાઈ ઠક્કર સાથે વાત કરી રહ્યાં હતા. એ જ સમયે રામચંદભાઈને ખિસ્સામાં રહેલા મોબાઈલમાંથી ધૂમાડા નીકળતા જોવા મળ્યા હતા.

જુલાઈમાં ચાર્જિંગમાં ભરાવી વાત કરતી વખતે મોબાઈલ ફાટતાં કિશોરીનું મોત
જુલાઈ મહિનામાં બહુચરાજી તાલુકાના છેટાસણા ગામે બુધવારે સવારે મોબાઈલને ચાર્જિંગમાં ભરાવીને વાત કરતી સમયે મોબાઇલ ધડાકા સાથે ફૂટતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કિશોરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી ગ્રામજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.છેટાસણાના દેસાઇ શંભુભાઇ પ્રભાતભાઇની દીકરી શ્રદ્ધા બુધવારે સવારે નવેક વાગે ઘરના ઉપરના માળે રૂમમાં મોબાઈલને ચાર્જિંગમાં ભરાવીને વાત કરી રહી હતી. તે સમયે અચાનક ધડાકાભેર મોબાઈલ ફાટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...