વરસાદ:વિજપડી પંથકમાં એક ઇંચ વરસાદથી નદીમાં પાણી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા, ધારી અને સાવરકુંડલામાં સતત કમોસમી વરસાદ

છેલ્લા એક પખવાડીયા કરતા વધુ સમયથી માવઠુ અમરેલી જિલ્લાના ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે અને આજે પણ આ સીલસીલો ચાલુ રહ્યો હતો. રાજુલા, જાફરાબાદ, ધારી અને સાવરકુંડલા પંથકમા કમોસમી વરસાદ ખાબકયો હતો. સાવરકુંડલા તાલુકાના વિજપડી તથા આસપાસના વિસ્તારમા દરરોજ બપોરબાદ કમોસમી વરસાદ તુટી પડે છે.

ગઇકાલની જેમ આજે પણ બપોર સુધી ઉકળાટ બાદ ધોધમાર વરસાદ તુટી પડતા એક ઇંચ ઉપરાંત પાણી પડી ગયુ હતુ. જેના કારણે સ્થાનિક નદીમા પુર આવ્યુ હતુ અને વાડી ખેતરો જાણે ચોમાસુ ચાલતુ હોય તેમ પાણીથી ભરાયા હતા. આંબરડી, ભમ્મર, ખડસલી, છાપરી વિગેરે ગામમા આવો જ વરસાદ થયો હતો. બીજી તરફ જાફરાબાદના કાગવદર, નાગેશ્રી, લોઠપુર વિગેરે ગામમા તથા રાજુલાના અમુલી, બાબરીયાધાર, બાલાપર અને ધારી તાલુકાના લાખાપાદર, હિરાવા, જીરા, ડાભાળી વિગેરે ગામમા માવઠુ થયુ હતુ.

હજુ આજે પણ વરસાદની આગાહી
દરમિયાન હવામાન વિભાગ દ્વારા હજુ આવતીકાલે 24મી તારીખે પણ અમરેલી જિલ્લામા કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. ત્યારબાદ ઉનાળાના ધખતા તાપની શરૂઆત થશે.

લાઠીમાં સતત ચોથા દિવસે વરસાદ
લાઠી પંથકમા પણ રોજેરોજ માવઠુ થઇ રહ્યું છે અને આ વિસ્તારમા આજે ચોથા દિવસે પણ કમોસમી વરસાદ થયો હતો. બપોરના સમયે પડેલા વરસાદથી થોડીવાર માટે વાતાવરણમા ટાઢક પણ પ્રસરી હતી.