શ્રાવણ માસના પ્રથમ સોમવારે અમરેલી જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. અમરેલી, લીલીયા, રાજુલા, લાઠી, બાબરા, બગસરા, ધારી અને વડીયા સહિતના શિવ મંદિરોમાં વહેલી સવારથી ભક્તો ઉમટી પડયા હતા. અમરેલીના નાગનાથ મહાદેવ અને કામનાથ મહાદેવના મંદિરે ભક્તોએ આરતીનો લાહવો લીધો હતો. તેમજ વહેલી સવારથી લોકો મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. લીલીયાના અંટાળેશ્વર મહાદેવ પટ્ટાગણમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
અહી ભક્તોએ મહા આરતીના દર્શન કરી પ્રસાદ લીધો હતો. તેમજ લીલીયા રાજગોર સમાજના મોભી અને નિવૃત આરોગ્ય કર્મી દુર્ગાશંકરભાઈ જોષીએ પેન્શનમાંથી બચાવેલ રૂપિયા 157450ના ચાંદી વાસણોનો અંટાળેશ્વર મહાદેવને થાળ ધર્યો હતો. ટ્રસ્ટ તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.બીજી તરફ લાઠીના કેરીયા ગામે લગભગ 400 વર્ષ પૂર્વે સ્વયંભૂ પ્રગટ રામનાથ મહાદેવના મંદિરે અરૂણભાઈ શુકલે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અભિષેક અને આરતી કરી હતી. અહી મંદિરના પુજારી પ્રવિણગીરી બાપુની ઉપસ્થિતિમાં પુજન – અર્ચન કરાયું હતું. રાજુલાના સુખનાથ મહાદેવ, ધારનાથ મહાદેવ અને કોટેશ્વર મહાદેવ તેમજ ધરમશાળા સહિતના શિવાલયોમાં શિવ દર્શન માટે ઉમટી પડ્યા હતા.
રાજુલાના પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ શ્રાવણ માસના પાંચેય સોમવારે સોમનાથ ખાતે પ્રસાદનું આયોજન કર્યું છે. જેમાં પ્રથમ સોમવારે સોમનાથ મંદિરના પટ્ટાગણમાં લોકોને પ્રસાદ અર્પણ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.