અકસ્માત:વડિયામાં અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાડીએ પગપાળા જઇ રહ્યાં હતા ત્યારે સર્જાયો અકસ્માત

વડીયામા કૃષ્ણપરા વિસ્તારમા રહેતા એક આધેડ પગપાળા પોતાની વાડીએ જઇ રહ્યાં હતા ત્યારે મોરવાડા રોડ પર અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા તેમનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.

બાઇક હડફેટે વૃધ્ધના મોતની આ ઘટના વડીયામા મોરવાડા રોડ પર બની હતી. અહીના કૃષ્ણપરા વિસ્તારમા રહેતા ધીરૂભાઇ રાંક (ઉ.વ.68) નામના આધેડ પોતાની વાડીએ ચાલીને જઇ રહ્યાં હતા. તેઓ મોરવાડા રોડ પર ગેસ ગોડાઉન પાસે પહોંચ્યા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા તેમને માથા અને પગમા ગંભીર ઇજા પહોંચી હતી.

અકસ્માત સર્જી બાઇક ચાલક નાસી છુટયો હતો. ઇજાગ્રસ્ત ધીરૂભાઇને 108 એમ્બ્યુલન્સની મદદથી પ્રથમ વડીયા અને બાદમા જેતપુર દવાખાને ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયા હતા જયાં તેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ અંગે જીતેન્દ્રભાઇ રાંકે વડીયા પોલીસ મથકમા જાણ કરી હતી. પોલીસે અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઇ કે.કે.ઓડેદરા ચલાવી રહ્યાં છે.