હિંડોરણા માર્ગ પોલિટિકલ માર્ગ બન્યો:રાજુલા શહેરમાં માત્ર 200 મિટરના અંતરમાં જ ભાજપ, કોંગ્રેસ, આપના કાર્યાલયો ખુલ્યા

અમરેલી7 દિવસ પહેલા

ગુજરાતમા 2022 વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ ગાંધીનગરની ગાજી પર બેસવા માટે પ્રચાર લાગી ગઇ છે. ત્યારે અમરેલી જિલ્લામાં આવેલી 98 રાજુલા બેઠક ઉપર માત્ર 200 મિટરના અંતરમાં જ ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના કાર્યાલયો છે. અહીં એક લાઈનમાં 4 કાર્યાલયો છે. મોડી રાત સુધી અહીં રાજકીય કાર્યકરો અને વાહનોની દોડધામ ચાલી રહી છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર અંબરીષ ડેરના કાર્યાલય અને તેમના પ્રવેશ દ્વાર ઉપર બે ફોટા સાથેનુ પોસ્ટર મુકાયું છે. તેનાથી દુર ચાલો એટલે આપ પાર્ટીના ઉમેદવાર ભરત બલદાણીયાની કાર્યાલય અને પ્રવેશ દ્વારા સાથે બે ફોટા લગાવ્યા છે. તેની બરાબર બાજુમાં ભાજપ ઉમેદવાર હીરા સોલંકીની કાર્યાલય અને પ્રવેશ દ્વાર ઉપર મોટા ફોટા લગાવ્યા છે. તેનાથી થોડા દૂર અપક્ષ ઉમેદવાર કુકર કરણ બારૈયાની કાર્યાલય અને પ્રવેશ દ્વાર સાથે ફોટા લગાવી પ્રવેશ દ્વાર બનાવાયું છે.

હિંડોરણા માર્ગ પોલિટિકલ માર્ગ બન્યો
સવારથી મોડી રાત સુધી આ રાજકીય ઘમાસાણ વચ્ચે આ માર્ગ ધમધમતો થયો છે. કાર્યલયોમાં ચા પાણી નાસ્તો ગાઢિયા, ભજીયાના કારણે કાર્યકરોનો જમાવડો વધુ પડતો જોવા મળી રહ્યો છે. સમગ્ર અમરેલી જિલ્લાની પાંચેય બેઠક ઉપર માત્ર અહીં જ એક સાથે બધી કાર્યાલયો ખુલ્યા છે. જેના કારણે વધુ આ બેઠક રસપ્રદ બની રહી છે. રાજકીય પંડિતોના કહેવા પ્રમાણે અંતિમ દિવસોમાં ખરા ખરીના ખેલ અહીં મધરાતોમાં સર્જાય તો નવાઈ નહિ.!

આ વખતે ચારે તરફ મોઢા બતાવનારા લોકો અહી શરમાશે
દર વખતે ચૂંટણીઓમાં અહીં કેટલાક લોકોએ એવા હોય છે સવારે ભાજપની કાર્યાલય બેઠા હોય તો સાંજે કોંગ્રેસની કાર્યાલય બેઠા હોય. આવા દરેક વિસ્તારમાં કાર્યકરો હોય છે જે ચારે તરફ તમામ ઉમેદવારોને મોઢા બતાવી ઉમેદવારોને રાજી રાખતા હોય છે, પરંતુ આ વખતે અહીં એવું બન્યું છે 200 મીટરની અંદર બધી જ કાર્યાલયો એક સાથે લાઈનમાં જોવા મળી રહી છે. જેના કારણે કાર્યાલયો ઉપર તમામ પાર્ટીના લોકો કોણ ક્યાં જાય છે તે નજર રાખી રહ્યા છે. એક બીજાની કાર્યાલય ઉપર સતત નજર રખાય રહી છે જેથી હવે લોકોને શરમ અનુભવાય તો નવાઈ નહિ.

અન્ય સમાચારો પણ છે...