અમરેલી જિલ્લામા જનતાએ ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોબે મત આપી પાંચેય સીટ ભેટ આપી દીધી છે. જો કે ભાજપમાથી લડી રહેલા પાંચેય ઉમેદવારોને ઘરના જ ઘાતકી લોકોના દગાનો પણ સામનો કરવો પડયો હતો. પરંતુ જનતાએ પાર્ટી વિરૂધ્ધમા કામ કરતા આવા નેતાઓની એક વાત સાંભળી ન હતી.
હવે પક્ષના ઉમેદવારને હરાવવા માટે કામ કરનારા નેતા અને કાર્યકરોના લેખાજોખા શરૂ થયા છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચુંટણી સમયે કોઇને નારાજ કરવા માંગતા ન હતા. જેના કારણે જે તે સમયે વિરોધમા કામ કરનારા લોકોને પણ સાથે લઇ લેવા પ્રયાસો થઇ રહ્યાં હતા. અનેક આગેવાનોએ પક્ષની સાથે હોવાનો ડોળ કર્યો હતો અને ઉમેદવાર તરફી પ્રચાર કરી રહ્યાં હોવાનો દેખાડો પણ કર્યો હતો.
જો કે તેમની આ ચાલાકી પ્રચાર દરમિયાન જ અવારનવાર ખુલીને સામે પણ આવી ગઇ હતી. અમરેલી અને લાઠી અને સાવરકુંડલા સીટ પર ભાજપના ઉમેદવારોને પક્ષના વિશ્વાસઘાતુઓનો સામનો કરવો પડયો હતો. જો કે સૌથી વધારે આવી સ્થિતિ ધારી સીટ પર જોવા મળી હતી. અહી તો આ અંગેની ઓડિયો કલીપો પણ વાયરલ થઇ હતી.
બાબરા વિસ્તારમા જનકભાઇના પ્રચાર વખતે અનેક આગેવાનો ડોકાયા પણ ન હતા. માત્ર પક્ષના ટોચના નેતાઓની સભા હોય ત્યારે આ આગેવાનો હાજર થઇ જતા હતા. આવુ જ અમરેલી વડીયા વિસ્તારમા પણ જોવા મળ્યું હતુ.
જયારે સાવરકુંડલા અને ધારીમા તો કેટલાક આગેવાનો ઉમેદવારની સાથે જરૂર ફર્યા હતા. પરંતુ કામ વિરૂધ્ધમા કર્યુ હતુ. હવે તેમના લેખાજોખા શરૂ થતા આ અંગે સ્થાનિક આગેવાનો દ્વારા મોવડીઓને પણ જાણ કરવામા આવશે. જો કે ભાજપ આગેવાનોએ તેમની સામે શું પગલા લેવાશે ? અને કેટલા લોકો વિરૂધ્ધ રજુઆત આવી છે તે અંગે મૌન સેવી લીધુ હતુ.
પ્રચારમાં સાથે ન દેખાતા આગેવાનો વિજય સરઘસમાં જોડાઇ ગયા
અમરેલી જિલ્લામા તાલુકા કક્ષાના અનેક આગેવાનો જે તે વિસ્તારના ઉમેદવારની વિરૂધ્ધમા હતા. પ્રચારમા કયારેક સાથે દેખાયા પરંતુ ગ્રાઉન્ડ પર ખુલ્લેઆમ વિરૂધ્ધમા કામ કર્યુ હતુ. પરંતુ જનતાએ ભાજપના તમામ ઉમેદવારને વિજયી બનાવી દેતા આવા આગેવાનો સમય પારખી મને કમને વિજય સરઘસમા જોડાઇ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.