સરકાર દ્વારા અગાઉ મગફળી, ચણા, તુવેર વિગેરેની ટેકાના ભાવે ખરીદી કરવામા આવી હતી. તેની સાથે સાથે ઘઉંની પણ ટેકાની ખરીદી શરૂ કરાઇ હતી. પરંતુ હાલમા ખુલ્લા બજારમા ખેડૂતોને ઘઉંના ઉંચા ભાવ મળી રહ્યાં હોય અમરેલી જિલ્લામા ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે ઘઉં વેચવામા બિલકુલ રસ દાખવ્યો નથી. બલકે અમરેલી જિલ્લામાં એકપણ ખેડૂતે સરકારને ટેકામા ઘઉં વેચ્યા નથી.
અગાઉ સરકાર દ્વારા ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવાયુ હતુ. આ વિસ્તારના ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશનમા પણ જરા પણ રસ દાખવ્યો ન હતો. ભુતકાળમા મગફળીથી લઇ ચણાના વેચાણ માટે મોટી સંખ્યામા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. પરંતુ અમરેલી જિલ્લામા માત્ર 13 ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ.
એક તરફ અમરેલી જિલ્લામાં સિંચાઇની અપુરતી સુવિધા છે. જેના કારણે સિંચાઇવાળા અન્ય વિસ્તારો કરતા આ વિસ્તારમા ઘઉંનુ વાવેતર ઓછુ થાય છે. અને બીજી તરફ જે સમયે રજીસ્ટ્રેશન શરૂ હતુ તે સમયે પણ ખુલ્લા બજારમા ઘઉંના ભાવ ઉંચા ચાલતા હતા. જેને પગલે ખેડૂતો રજીસ્ટ્રેશન માટે આવ્યા જ ન હતા. સરકારી તંત્ર પોતાની જડતાથી ચાલતુ હોય છે. જેને પગલે માત્ર 13 ખેડૂતનુ રજીસ્ટ્રેશન હોવા છતા ખરીદ કેન્દ્રો ઉભા કરી સ્ટાફ ફાળવાયો હતો અને સ્ટાફ દ્વારા આ 13 ખેડૂતોને એસએમએસ પણ કરવામા આવ્યા હતા.
પરંતુ જિલ્લાભરમાથી એકેય ખેડૂત સરકારને ટેકાના ભાવે ઘઉં વેચવા માટે આગળ આવ્યા ન હતા. સરકાર દ્વારા ટેકાનો ભાવ રૂપિયા 403 નક્કી કરાયો છે. જયારે ખુલ્લા બજારમા નબળામા નબળા ઘઉં પણ 403થી વધુ ભાવે વેચાઇ રહ્યાં છે. જયારે સારા ઘઉંના ખેડૂતોને 600 સુધીનો ભાવ મળી રહ્યો છે. આમ જનતાના હાથમા પહોંચતા સુધીમા ઘઉંનો ભાવ 620થી લઇ 720 કરતા વધુ પહોંચી રહ્યો છે. જિલ્લામા હવે તંત્ર દ્વારા ઘઉંની ટેકાની ખરીદીનુ કામ આટોપી પણ લેવાયુ છે.
ખેડૂતોને બે વખત એસએમએસ કર્યા
જિલ્લા પુરવઠા નિગમના સુત્રોએ જણાવ્યું હતુ કે જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. તેમને એસએમએસ કરાયો હતો. પરંતુ તેઓ ઘઉં વેચવા ન આવતા બીજી વખત પણ મેસેજ કરાયો હતો. છતા કોઇ ડોકાયુ ન હતુ.
અમરેલી કુંડલા યાર્ડમાં ઘઉંની વધુ આવક
અમરેલી યાર્ડમા આજે 720 કવીન્ટલ ઘઉંની આવક થઇ હતી. ટુકડા ઘઉંની 460 કવીન્ટલ આવક થતા 360થી 586નો ભાવ મળ્યો હતો. જયારે લોકવન ઘઉંની 260 કવીન્ટલ આવક થતા 420થી 481 ભાવ મળ્યો હતો. જયારે કુંડલા યાર્ડમા 200 કવીન્ટલ લોકવન ઘઉંનો ભાવ 425થી 562 રહ્યો હતો.
ખરીદી માટે 10 સેન્ટર શરૂ કરાયા હતા
વહિવટી તંત્રએ ઘઉંની ટેકાની ખરીદી માટે 10 કેન્દ્રો શરૂ કરવાની તૈયારી રાખી હતી. જો કે પાંચ સેન્ટરમા તો રજીસ્ટ્રેશન જ થયુ ન હતુ. જયારે બાકીના પાંચ સેન્ટરમા રજીસ્ટ્રેશન હતુ પણ ઘઉં લઇને ખેડૂતો ન આવ્યા.
20673 હેકટરમાં થયું છે ઘઉંનું વાવેતર
ઓણસાલ અમરેલી જિલ્લામાં 20673 હેકટરમા ઘઉંનુ વાવેતર થયુ હતુ. જે ગત વર્ષની તુલનામાં ઓછુ હતુ. અમરેલી પંથકના ખેડૂતોએ ઓણસાલ ચણાનું વાવેતર વધુ કર્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.