ચુંટણી:અમરેલી જિલ્લામાંથી કોઇને મંત્રી પદ નહી, કૌશિક વેકરિયાને મળ્યું ઉપદંડકનું પદ

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના ગઢમાં કેસરીયો લહેરાવી પાંચેય સીટ ભાજપને આપી પણ મંત્રી પદ કોઇને ન ફળ્યું

અમરેલી જિલ્લાએ 2017ની ચુંટણીમા પાંચે પાંચ ધારાસભ્ય કોંગ્રેસના આપ્યા હતા. જો કે 2022ની ચુંટણીમા જનતાએ જ કોંગ્રેસનો આ ગઢ તોડી નાખ્યો અને પાંચે પાંચ ધારાસભ્ય ભાજપના ચુંટી કાઢયા. જેને પગલે અમરેલી જિલ્લામાથી કોઇને કોઇ મંત્રી પદ અચુક લાવશે તેવી ધારણા રખાતી હતી પરંતુ કૌશિકભાઇ વેકરીયાને માત્ર ઉપદંડકનુ પદ આપી દેવાયુ હતુ. અમરેલી જિલ્લાની જનતાએ પાંચ ધારાસભ્યો ચુંટી કાઢયા છે જેમાથી ચાર લેઉવા પટેલ સમાજમાથી આવે છે. અમરેલી જિલ્લો લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે.

પરંતુ હાલમા પાલિકા અને પંચાયતોથી લઇ સાંસદ અને હવે પાંચેય ધારાસભ્ય પણ ભાજપના છે. ત્યારે નવી સરકારની રચનામા મંત્રી મંડળમા અમરેલી જિલ્લાને મજબુત પ્રતિનિધિત્વ મળશે તેવી ધારણા રખાતી હતી. પરંતુ આજે આ ધારણા ખોટી પડી હતી અને નવા મંત્રી મંડળમા અમરેલી જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું ન હતુ. એક વર્ષ પહેલા જયારે ભુપેન્દ્રભાઇ પટેલની સરકારની રચના થઇ હતી તે સમયે જે.વી.કાકડીયાને મંત્રી બનાવવાનુ નક્કી થયુ હતુ. જો કે અંતિમ ઘડીએ તેનુ નામ નીકળી ગયુ હતુ.

જયારે હાલના ધારાસભ્યમા જે.વી.કાકડીયા ઉપરાંત પ્રદેશ ભાજપ સાથે જોડાયેલા મહેશ કસવાલા અને પરેશ ધાનાણી જેવા દિગ્ગજ કોંગી નેતાને કારમી પછડાટ આપનાર કૌશિક વેકરીયાની પસંદગી પર સૌની નજર હતી. પુરૂષોતમભાઇ સોલંકીને કોળી સમાજના પ્રતિનિધી હોવાથી મંત્રી મંડળમા સ્થાન મળતુ હોય હિરાભાઇ સોલંકી માટે કોઇ ચાન્સ ન હતો. જયારે લાઠીના જનકભાઇ તળાવીયા માટે પણ આવી જ સ્થિતિ હતી.

આજે કૌશિકભાઇ વેકરીયાને મંત્રી તો ન બનાવાયા પરંતુ ઉપદંડકનુ પદ આપવામા આવ્યું હતુ. અમરેલી જિલ્લામાથી જયારે ભાજપના ધારાસભ્યો ચુંટાયા હોય ત્યારે મહદઅંશે કૃષિ મંત્રીનુ પદ અમરેલી જિલ્લાના ફાળે આવે છે. તાજેતરની ચુંટણી સભામા અમરેલી આવેલા પ્રધાનમંત્રીએ પણ તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતુ કે કૃષિ મંત્રાલય જાણે અમરેલી જિલ્લાને ફાળવી દેવાયુ છે. જો કે હાલની સરકારમા અમરેલી જિલ્લાને જ પ્રતિનિધિત્વ મળ્યું ન હોય કૃષિ મંત્રાલય પણ અમરેલી જિલ્લાના ફાળે નહી આવે.

અગાઉથી અણસાર આવતા અનેક આગેવાનો ગાંધીનગર ન ગયા
સામાન્ય રીતે કોઇ ધારાસભ્યને મંત્રી પદ મળવાનુ હોય તો તેના સમર્થનમા કાર્યકરો અને આગેવાનો ગાંધીનગર પહોંચી જતા હોય છે. પરંતુ અમરેલીને સ્થાન નહી મળવાનુ નક્કી હોય મોટાભાગના કાર્યકરો અને આગેવાનો ગાંધીનગર ગયા જ ન હતા.

પાટીદારોના ગણિતમાં પણ એકેય ધારાસભ્ય ફીટ ન બેઠા
પાટીદારોને પ્રતિનિધિત્વ આપવાની વાતમા જિલ્લામાથી ચાર પાટીદાર ધારાસભ્યો ચુંટાયા હોય મંત્રી પદની શકયતા હતી. જો કે હાલમા અમરેલીના પાટીદાર આગેવાન પુરૂષોતમ રૂપાલા કેન્દ્રમા મંત્રી પદે છે જયારે અન્ય પાટીદાર આગેવાન દિલીપભાઇ સંઘાણી દેશની અગ્રણી સંસ્થાઓનુ સંચાલન કરી રહ્યાં છે. આવા સંજોગોમા જિલ્લાના કોઇ વધુ પાટીદાર આગેવાનને સ્થાન ન મળી શકયુ.

અન્ય સમાચારો પણ છે...