અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે સિંહ રક્ષિત વિસ્તાર સિવાયના વિસ્તારમાં પણ જોવા મળે છે. ગીર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરાના બનાવોમાં પણ વધારો થયો છે. ત્યારે જાફરાબાદના ટીંબી ગામની બજારમાં મધરાતે વનરાજે લટાર મારી હોવાના સીસીટીવી સામે આવ્યાં છે.
જાફરાબાદના ટીંબી ગામની બજારમાં વનરાજ સુમસાન બજારમાં શિકારની શોધમાં આવી ચડ્યા હતા. જોકે, સિંહે મોડી રાત્રે લટાર મારી હોવાથી માણસોની ગેરહાજરી હતી, જો માણસોની હાજરી વચ્ચે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા હોત તો મોટી ઘટના પણ સર્જાઇ હોત. વનરાજની મધરાતની બજાર વચ્ચેની લટાર સીસીટીવી કેમરામાં કેદ થઇ છે.
જાફરાબાદ તાલુકાનું સૌથી મોટુ ગામ ટીંબી છે. અહીં સિંહો છેલ્લા કેટલાય દિવસીથી અવર જવર કરી રહ્યા છે, સતત માનવ વસાહત વચ્ચે સિંહોની અવર જવર વધી રહી છે, ત્યારે વનવિભાગ સિંહોના લોકેશન ઉપર સતત મોનીટરીંગ અને પેટ્રોલિંગ વધારે તે જરૂરી છે.
એક દિવસ પહેલાં જ અમરેલી જિલ્લાના રસ્તા પરથી પસાર થઈ રહેલા 17 સિંહના ટોળાનો એક વીડિયો વાઈરલ થયો હતો. સૂત્રોના મતે આ વીડિયો ખાંભા-તુલશીશ્યામ રેન્જનો હોવાનું જાણવા મળ્યું હતું.
બે દિવસ પહેલાં પણ સાવરકુંડલા રેન્જમાં એક વાડી વિસ્તારમાં ખાટલા પર આરામ ફરમાવતા ચાર બાળસિંહની મનમોહક તસવીરો સામે આવી હતી. ગીર જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેતા ફોરેસ્ટર દ્વારા જ આ તસવીર કેમેરામાં કેદ કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.