આજથી આદ્યશક્તિની આરાધના:જિલ્લામાં 145થી વધુ સ્થળ પર નવરાત્રીનું આયોજન

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 વર્ષ બાદ ગરબે ઘુમશે ખેલૈયા, 400થી ‌વધુ લોકો એકઠા નહી થઈ શકે : માત્ર શેરી ગરબાને મંજૂરી

રાજય સરકારે આ વર્ષે નવરાત્રી ઉજવણીની અગાઉથી જ છુટ આપી દીધી હોય અમરેલી પંથકમાં રાસ ગરબાના ખેલૈયાઓએ છેલ્લા એક પખવાડીયાથી પ્રેક્ટીસ શરૂ કરી દીધી હતી. અલબત આ વર્ષે પાર્ટી પ્લોટની ક્યાય મંજુરી આપવામાં આવી નથી. આમ છતાં અર્વાચીન રાસ ગરબાના શોખીનો શેરી ગરબામાં જ ઘુમવા માંગે છે. અમરેલી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી જો કે બુધવાર સુધીમાં તંત્રને શેરી ગરબાની મંજુરી આપવા માટે માત્ર 10 અરજીઓ જ મળી હતી. કેટલાક આયોજકો આવતીકાલે છેલ્લી ઘડીએ પણ તંત્ર સમક્ષ મંજુરી માંગશે.

સૌથી વધુ શેરી ગરબાના આયોજનો રાજુલા, જાફરાબાદ પંથકમાં થશે. આ બંને શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી ગરબાની મંજુરી માટે તંત્રને આજ સાંજ સુધીમાં 100 અરજી મળી ચુકી હતી. આ ઉપરાંત લાઠી - બાબરા અને દામનગર પંથકમાંથી મંજુરી માટે તંત્રને 13 અરજી મળી હતી. તંત્ર દ્વારા આ તમામ 13 આયોજનને મંજુરી આપી દેવાઈ હતી. સમગ્ર અમરેલી જિલ્લામાં તંત્રને બુધવાર સાંજ સુધીમાં 145 સ્થળે આયોજન માટે અરજી મળી હતી. જેમાંથી મોટા ભાગનાને મંજુરી આપી દેવાઈ હતી.

જ્યારે બાકીના આયોજકોને આવતીકાલે મંજુરી આપવામાં આવશે.પાછલા કેટલાક દિવસોથી અમરેલીની બજારમાં અવનવા ગરબાનું વેચાણ થઈ રહ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે ગરબાના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો છે. કોરોનાનો ભય હજુ પણ હોય મોટી સંખ્યામાં લોકો જાહેર આયોજનોમાં જવાના બદલે ઘરે જ નવરાત્રીની ઉજવણી કરશે. પરંપરાગત રીતે ગરબાનું આયોજન કરતા આયોજકો દ્વારા ગરબા હરીફાઈ, નાટકો, હવન વિગેરે જેવા કાર્યક્રમો પણ આયોજીત કરાયા છે.

અમરેલીમાં ક્યા ક્યા સ્થળે આયોજન ?
અમરેલી શહેરમાં રામેશ્વર મહાદેવ મંદિર નજીક, નિલકંઠ મહાદેવ મંદિર ચોરાપા ખાતે ઉપરાંત વૃદાવન પાર 1, બ્રાહ્મણ સોસાયટી, ગાયત્રી મંદિર નજીક, દામનગરમાં ખોડિયાર યુવક મંડળ દ્વારા પુરબીયા શેરી, લાઠીમાં દરબારી ચોકમાં શિવ શક્તિ ગરબી મંડળ દ્વારા, બાબરામાં મહાકાળી મંડળ દ્વારા રામજી મંદિર ચોક, સાવરકુંડલામાં શિવાજીનગરમાં પટેલવાડી, લુહાણા વિદ્યાર્થી ભવન વિગેરે સ્થળે આયોજન કરાયું છે.

કોરોના ગાઈડલાઈનનું કરવું પડશે પાલન
નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓએ રાસ ગરબા વખતે કોરોના ગાઈડનું ચુસ્ત પાલન કરવું પડશે. સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા ઉપરાંત આયોજનના સ્થળે 400થી વધુ લોકો એકઠા ન થાય તેની પણ તકેદારી રાખવી પડશે. ખેલૈયાઓએ પણ વેક્સીનના ડોઝ લીધા હોવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...