પર્યાવરણ અને વન્યજીવોનું મહત્વ સમજાય તેવા ઉત્તમ આશયથી વન વિભાગ ગીરપૂર્વ ધારી દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા પ્રવાસન રેન્જ હેઠળ ગીરમાં આવેલા ચિખલકુબા ગામે વિદ્યાર્થીઓને પ્રકૃતિનું શિક્ષણ આપવાના હેતુથી એક કેમ્પ સાઈટ તૈયાર કરવામાં આવી છે. આ કેમ્પ સાઈટ પર આશરે 15 વર્ષથી પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાઈ રહી છે.
વન વિભાગ દ્વારા અગાઉ આ શિબિર જુદી-જુદી સાઈટ પર યોજવામાં આવતી હતી. જો કે હવે વન વિભાગ ધારીના વન સંરક્ષક રાજદિપસિંહ ઝાલા અને ઈન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક શૈલેષ ત્રિવેદીના સઘન પ્રયાસો થકી ચિખલકુબા ખાતે કાયમી કેમ્પ સાઈટ તૈયાર કરી દેવામાં આવી છે. જ્યારે ફોરેસ્ટર ભલગરીયા દ્વારા આ કેમ્પના સંયોજક તરીકે તમામ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવે છે.
આ કેમ્પ સાઈટ પર પ્રતિ વર્ષ શિયાળામાં એક મહિના દરમિયાન ત્રિ-દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવે છે. શિબિરમાં મુખ્યત્વે વન વિભાગ ગીરપૂર્વ ધારી હેઠળ આવતા અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે. આ વર્ષે હાલમાં અત્યાર સુધીમાં 8 શિબિર સમાપ્ત થઈ ચૂકી છે. હાલમાં 9 શિબિર કાર્યરત છે.
આ વર્ષે 15 જેટલી શિબિર યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રત્યેક શિબિરમાં જુદી-જુદી 3 શાળાનાં 45 વિદ્યાર્થીઓને આ કેમ્પમાં જવાનો અવસર મળે છે. પ્રત્યેક શિબિરમાં વન વિભાગના અધિકારીઓ અને પ્રશિક્ષકો દ્વારા ખૂબ જ ઉંડાણપૂર્વક પ્રકૃતિનું શિક્ષણ આપવામાં આવે છે.
ચિખલકુબા ખાતે તૈયાર કરવામાં આવેલી સાઈટ પર વિદ્યાર્થીઓને રહેવાની, જમવાની એમ તમામ સવલતો નિ:શુલ્ક આપવામાં આવે છે. અહીં ગાંડી ગીરના ડુંગરોની વચ્ચે ઘેઘુર જંગલોમાં સાવજની ડણક સંભળાયા કરે છે તો, કેટલાક અતિ દુર્લભ વૃક્ષો, પક્ષીઓ અને વન્યજીવો પણ જોવા મળે છે.
આ પ્રકૃતિ શિબિર વિશે માહિતી આપતા વન વિભાગ ધારીના ઈન્ચાર્જ એસીએફ શૈલેષ ત્રિવેદીએ જણાવ્યું કે બાળકોને પ્રકૃતિનું શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે. પ્રકૃતિ અને આપણે એકબીજાથી અલગ નથી. પ્રકૃતિમાં વસતા દરેક જીવો, વૃક્ષો, ફૂલો સહિતની તમામ સંપદાનું શું મહત્વ છે. અને જો એ ન હોય તો શું નુકસાન થાય તેની પાકી સમજ આપવાના હેતુથી અમે આ નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.