તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાઓમાં ઉત્સાહ:અમરેલી જિલ્લામાં ત્રણ દિવસમાં 18 થી 44 વયના 8 હજારથી વધુ લોકોનું રસીકરણ કરાયું

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લામાં કુલ 2 લાખ 35 હજાર લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો

કોરોના વાયરસ સામેની લડાઈમાં વેક્સીન લઈ અમરેલીના પ્રજાજનોએ જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરી છે. તાજેતરમાં અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી 18 થી 44 વયજૂથ માટેની વેક્સિનેશન ડ્રાઈવને લઈ નવયુવાનોમાં ભારે ઉત્સાહ જોવા લઈ રહ્યો છે.

4 જૂનથી અમરેલીમાં 3, બાબરામાં ૨, બગસરામાં ૨, ધારીમાં 1, કુંકાવાવમાં 1, લાઠીમાં 2. લીલીયામાં 1, રાજુલામાં 1 અને સાવરકુંડલામાં 2 એમ કુલ મળી અમરેલી જિલ્લામાં 15 જેટલી સાઈટ ઉપર એક સાઈટ દીઠ 200 યુવાનોને વેક્સીન આપવાની કામગીરી આરંભી દેવામાં આવી હતી. રોજના 3000 યુવાનોના લક્ષ્યાંકો સામે તા. 4 ના 2604, તા. 5 ના 2924 અને તા. 6 2507 ના એમ કુલ મળી માત્ર ત્રણ જ દિવસમાં 8035 નવયુવાનોને વેક્સીન આપવામાં આવી છે

અમરેલી આરોગ્ય ખાતાના તા. 6 જૂનના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં કુલ 18 થી 44 વયજૂથના 8035 યુવાનોએ, 45 થી 59 વયજૂથના 1,06,102 લોકોએ અને 60 થી વધુ વયના 1,21,740 એમ કુલ મળી 2,35,877 લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. અને 45 થી 59 વયજૂથના 37,708 લોકોએ અને 60 થી વધુ વયના ૫૨,947 એમ કુલ મળી 90,655 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. જિલ્લામાં 1,20,707 લોકોને કોવેક્સિન અને 2,39,609 લોકોને કોવીશીલ્ડ વેક્સીન આપવામાં આવી છે.

તાજેતરમાં લગ્નગ્રંથિથી જોડાયેલ સાવરકુંડલાના વિદ્યુતનગર ખાતે રહેતા ધવલભાઈ અને રોહિણીબેન વેક્સિનેશન અંગે વાત કરતા કહ્યું છે કે સૌપ્રથમ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને અને ત્યારબાદ 60થી ઉપરના અને પછી 45 થી ઉપરના લોકોને વેક્સીન આપ્યા બાદ હવે 18 થી ઉપરના યુવાનોને એમ સરકાર દ્વારા ખુબ જ આયોજનબદ્ધ તબક્કાવાર વેક્સીન આપવામાં આવી છે. મારા માતા પિતા સહીત દરેક કુટુંબીજનોએ કોરોનાની વેક્સીન લીધી હતી અને આજે અમારા બંનેનું પણ વેક્સિનેશન થતા અમારા આખા કુટુંબે કોરોના સામેની લડાઈમાં રક્ષાકવચ મેળવ્યું છે. લોકોએ વેક્સીન અંગેની ભ્રામક માન્યતાઓ દૂર કરી વહેલામાં વહેલી તકે વેક્સીન લઈ લેવી જોઈએ.

સેલ્ફ રજિસ્ટ્રેશનની સરળ પ્રક્રિયા અંગે વધુ વાત કરતા ધવલભાઈ જણાવે છે કે કોવીન વેબ પોર્ટલ ઉપર માત્ર 1 મિનિટની પ્રક્રિયામાં આપણે જાતે જ આપણો સ્લોટ નક્કી કરી શકીયે છીએ. મેં ગઈકાલે જ મોડી સાંજે રજીસ્ટ્રેશન કર્યું ને બીજા જ દિવસે અમારા બંનેનો વારો આવી ગયો હતો. વેક્સિનેશન સેન્ટર પર અમને માત્ર 2 મિનિટથી પણ ઓછો સમય લાગ્યો હતો. આમ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અતિ સરળ હોવાથી કોઈપણ પ્રકારની મુશ્કેલી પણ જણાતી નથી.

નોંધનીય છે કે હાલ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ વહીવટી તંત્રના વિવિધ વિભાગોના કર્મીઓ દ્વારા મહત્તમ લોકોનું વેક્સિનેશન થાય તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. તંત્રના આ પ્રયાસોને બહોળો પ્રતિસાદ આપ્યો છે. વરિષ્ઠ નાગરિકો બાદ યુવાનોએ પણ મોટા પ્રમાણમાં વેક્સિનેશન ઝુંબેશ અંતર્ગત રસી લઈ રસી સલામત હોવાનો સંદેશ આપ્યો છે. ખુબ ટૂંકા ગાળામાં મહત્તમ લોકો રસી લેવા માટે પ્રેરાયા છે ત્યારે રસી લેવાની બાકી હોય તેવા લોકોએ પણ આ વેક્સિનેશન ડ્રાઈવમાં ભાગ લઈ પોતાના પરિવાર અને સમાજને કોરોના વાયરસ સામે રક્ષાકવચ પૂરૂ પાડવાના તંત્રના પ્રયાસોમાં સહભાગી થાય તે આવશ્યક અને આવકારદાયક છે.

અન્ય સમાચારો પણ છે...