વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ:અમરેલી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકાઈ, ફરિયાદ માટે કંટ્રોલરૂમ શરૂ કરાયો, 01 ડિસેમ્બરે મતદાન થશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકાઈ છે. સામાન્ય ચૂંટણીની જાહેરાત થતા અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતા અમલીકરણ, ચૂંટણી કાર્યક્રમ સહિતના મુદ્દાઓ પર માહિતી આપવાના હેતુથી એક પ્રેસ વાર્તાલાપનું આયોજન અમરેલી ખાતે કરવામાં આવ્યું હતું.
ચૂંટણીના સુચારુ આયોજનની વ્યવસ્થાઓ વિશે માહિતી અપાઈ
જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણા અને જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી વિજય પટ્ટણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં અમરેલી જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીના સુચારુ આયોજનની વ્યવસ્થાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં આગામી તા.01 ડિસેમ્બર, 2022ના રોજ પ્રથમ તબક્કામાં મતદાન થશે. પ્રથમ ચરણના મતદાનનું જાહેરનામું આગામી તા.05 નવેમ્બરના રોજ પ્રસિદ્ધ થશે. પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાની અંતિમ તા.14 નવેમ્બર, 2022 રહેશે અને પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્રકોની ખરાઈ કરવાની અંતિમ તા.15 નવેમ્બર, 2022 રહેશે. પ્રથમ તબક્કાના મતદાન માટે અમરેલી જિલ્લાના ઉમેદવારો માટે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તા.17 નવેમ્બર જાહેર કરવામાં આવી છે.
જિલ્લામાં 12 લાખથી વધુ મતદારો
અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણા એ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં 1 હજાર 412 મતદાન મથકોમાં 12 લાખ 59 હજાર 294 મતદારોની નોંધણી થઈ છે. આ પૈકી 6 લાખ 51 હજાર 407 પુરુષ મતદારો છે. જ્યારે 6 લાખ 7 હજાર 867 મહિલા મતદારો છે. જ્યારે 20 અન્ય મતદારો છે. સંક્ષિપ્ત સુધારણા અભિયાન અંતર્ગત અમરેલીમાં 14 હજાર 558 નવા મતદારો ઉમેરાયા છે.
​​​​​​​​​​​​​​કંટ્રોલરુમમાં ચૂંટણીલક્ષી બાબતો માટે ફરિયાદ નોંધાવી શકે છે
તેમણે ઉમેર્યું કે, આજથી અમરેલીમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરવા માટે કંટ્રોલરૂમ પણ શરુ કરવામાં આવ્યો છે. જિલ્લાના નાગરિકો આ કંટ્રોલરુમમાં ચૂંટણીલક્ષી બાબતો માટે ફરિયાદ નોંધાવી શકે છે. જિલ્લામાં વિવિધ વિધાનસભામાં ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારો આર.ઓ. કક્ષાએથી પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારી પાસે ઉમેદવારી નોંધાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...