વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષો એડીચોંટીનું જોર લગાવી રહી છે. આ વખતે રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ તમામ બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે જેથી ત્રિપાખીયો જંગ ખેલાશે. ત્યારે ચૂંટણીને લઈ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમરેલી જિલ્લાના પ્રવાસે આવ્યાં છે. જ્યાં રાજુલા શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર તેમનો રોડ શો યોજાયો હતો. આમ આદમી પાર્ટીનો પ્રચાર અહીં પુરજોરથી કરાયો હતો. રાજુલા નગરપાલિકાના પ્રમુખે આપ પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. જેને લઈ કોંગ્રેસને ફટકો પડ્યો છે.
પેપર ફૂટવા મામલે પણ આક્ષેપો કર્યા
આ રોડ શો માં રાજુલા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત બલદાણીયા પણ જોડાયા હતા. રાજુલા આપ પાર્ટી દ્વારા પંજાબના મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભગવંત માને રોડ શોમાં દરમિયાન ભાજપ-કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ ગુજરાતમાં પેપર ફૂટવા મામલે પણ આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસ કોમામાં ગઈ હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ કોંગ્રેસને મત આપશો એટલે ભાજપને મત જશે એમ પણ જણાવી બન્ને પક્ષ ઉપર આક્ષેપ કર્યા હતા. આ રોડ શો દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
નગરપાલિકા પ્રમુખ આપમાં જોડાતા રાજકારણ ગરમાયું
રાજુલા નગરપાલિકા પ્રમુખ રમેશ કાતરીયા અગાવ કોંગ્રેસ પક્ષમાં હતા અને ત્યારબાદ કોંગ્રેસ પક્ષમાં બળવો કરતા કોંગ્રેસ પક્ષ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા હતા. જોકે, હાઇકોર્ટે દ્વારા ફરી સભ્ય પદ શરૂ રાખતા નગરપાલિકા પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ હોવા છતાં ધારાસભ્ય અંબરીષ ડેર સાથે સક્રિય હતા અને કામગીરી કોંગ્રેસમાં કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ આજે આપના ઉમેદવાર ભરત બલદાણીયાએ રમેશ કાતરીયાને આપનો ખેસ પહેરાવી આવકારતા રાજકારણ ગરમાયુ છે. હાલમાં 98 રાજુલા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ, ભાજપ અને આપ વચ્ચે કાટે કી ટક્કર હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં રાજુલા બેઠક રસપ્રદ બની રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.