ગુલાબી ઠંડી:5 દિવસથી પારો 14 ડિગ્રી આસપાસ સ્થિર

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીની બજારમાં રાજ્ય બહારથી પણ વેપારીઓ ગરમ વસ્ત્રોનું વેચાણ કરવા આવે છે
  • ચૂંટણી વખતે કડકડતી ઠંડી પડશે તો મતદાન પર પડશે અસર : જો કે મહતમ તાપમાન સતત 30 ડિગ્રીથી ઉપર રહે છે

અમરેલી પંથકમા શિયાળાનો આરંભ ફુલ ગુલાબી ઠંડીથી થયો અને છેલ્લા સપ્તાહમા પારો નીચે ગગડી ગયો છે. છેલ્લા પાંચ દિવસથી અમરેલી શહેરમા ન્યુનતમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહે છે. જો આવનારા સપ્તાહમા આકરી ઠંડીનો રાઉન્ડ આવશે તો તેની સીધી અસર ચુંટણીમા થનારા મતદાન પર પણ જોવા મળી શકે છે.

અમરેલી પંથકમા શિયાળાની આકરી ટાઢની શરૂઆત થઇ ગઇ છે. ભલે હજુ કોઇ કોલ્ડવેવ ફરી વળ્યું હોય તેવી સ્થિતિ નથી. પરંતુ વહેલી સવારે તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી જાય છે. આવુ છેલ્લા પાંચ દિવસથી બની રહ્યું છે. અમરેલી શહેરમા આજે વહેલી સવારે ન્યુનતમ તાપમાન 14.7 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે બપોરના સમયે મહતમ તાપમાન 31.2 ડિગ્રી રહ્યું હતુ. હવામા ભેજનુ પ્રમાણ 67 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ 4 કિમીની રહી હતી. આ પ્રકારની સ્થિતિ અમરેલીમા છેલ્લા પાંચ દિવસથી જોવા મળી રહી છે.

19મી તારીખે અમરેલીમા ન્યુનતમ તાપમાન 14.2 ડિગ્રી હતુ. જયારે 20મી તારીખે 14 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. 21મી તારીખે ન્યુનતમ તાપમાન 14.4 ડિગ્રી હતુ. જયારે ગઇકાલે 14 ડિગ્રી નીચામા નીચુ તાપમાન રહ્યું હતુ. જો કે બપોરના સમયે પારો થોડો ઉંચકાયેલો રહે છે. અને છેલ્લા પાંચ દિવસથી મહતમ તાપમાન 31 ડિગ્રી કરતા વધુ જોવા મળી રહ્યું છે.

જેના કારણે બપોરના સમયે હુંફાળુ વાતાવરણ રહે છે. જયારે રાતના સમયે ટાઢોડુ અનુભવાઇ છે. શિયાળાનો આરંભ થઇ ચુકયો છે ત્યારે જો આગામી સપ્તાહે કડકડતી ઠંડીનુ મોજુ રહેશે તો તેની સીધી અસર મતદાન પર પડવાની પણ શકયતા છે. સામાન્ય રીતે દર વખતે ડિસેમ્બરમા જ મતદાન યોજાય છે.

રાજકીય પક્ષો દ્વારા પોતાના સમર્થકો સવારના સમયે જ મતદાન કરી આવે તેવો પ્રયાસ કરતા હોય છે. પરંતુ જો સવારના સમયે આકરી ટાઢ હોય તો સવારનુ મતદાન ધીમુ રહેશે. બીજી તરફ શહેરમા હજુ કડકડતી ઠંડીના દિવસો શરૂ થયા નથી પરંતુ હાલ લોકો બજારમા ગરમ વસ્ત્રોની ખરીદી જરૂર કરી રહ્યાં છે.

ગીરકાંઠામાં પણ ઠંડીનો ચમકારો
ગીરકાંઠાનો ધારી પ્રદેશ દરેક શિયાળામા જિલ્લાના અન્ય વિસ્તારો કરતા વધુ ઠંડો હોય છે. ચાલુ સાલે પણ એવી જ સ્થિતિ જોવા મળે છે. અહી વહેલી સવારની ઠંડીના કારણે જનજીવન થીજેલુ જોવા મળે છે. ખાંભાના ગીરકાંઠામા પણ આવી જ સ્થિતિ જોવા મળે છે.

દરિયાકાંઠા વિસ્તારમાં હુંફાળંુ વાતાવરણ
જિલ્લામા લાઠી બાબરાથી લઇ અમરેલી ધારી બગસરા અને સાવરકુંડલા સુધીના વિસ્તારમા આ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. દરિયાકાંઠાના રાજુલા અને જાફરાબાદ વિસ્તારમા પ્રમાણમા ઠંડી નહિવત છે અને હુંફાળુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...