મેઘમહેર:અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘસવારી આવી પહોંચી, રાજુલાના સાંજણવાવ ગામની  નદીમાં પૂર આવ્યું

અમરેલી4 દિવસ પહેલા
  • રાજુલાના દાતરડી ગામ નજીક ખાડામાં પાણી ભરાતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે થોડીવાર માટે બંધ થયો

અમરેલી જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડનો ધમાકેદાર પ્રારંભ થયો છે. પ્રથમ રાઉન્ડમાં જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસી ગયા બાદ જિલ્લામાં સતત બીજા દિવસથી મેઘમહેર થઈ રહી છે. રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા સાંજણવાવ ગામની નદીમાં પૂર આવ્યું હતું.

ગઈકાલથી વરસાદ બીજા રાઉન્ડની શરૂઆત
અમરેલી જિલ્લામાં ગઈકાલથી વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. ગઈકાલે જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાપટાઓ વરસ્યા હતા. આજે સતત બીજા દિવસે મેઘમહેર થઈ હતી. જિલ્લાના બાબરા-લાઠી પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તો રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. સાંજણાવાવ ગામની નદીમાં પૂર આવ્યું છે જેના કારણે અહીં પાણી પાણી સર્જાયું છે. ડુંગર,મોરંગી,ડોળીયા,કુંભારીયા આસપાસના મોટાભાગના ગામડામાં વરસાદ વરસી રહ્યો છે. આમ પીપાવાવ દરિયાઈ કોસ્ટલ વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે દાતરડી,પીપાવાવ,વિકટર સહિત વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેથી વાહનચાલકો પરેશાન
રાજુલા તાલુકાના દાંતરડી ગામ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર મસમોટા ખાડા હોવાને કારણે વાહનચાલકોની ફરી મુશ્કેલી વધી છે. અહીં કોન્ટ્રાકટરો એજન્સી દ્વારા કામગીરી અધૂરી અને ધીમીગતીએ ચાલતી હોવાને કારણે 3 વર્ષથી આ ગંભીર સમસ્યા છે. જેના કારણે આજે વરસાદ પડતા ફરી પાણી ભરાયા છે અને અનેક વાહન ચાલકો અટવાય પડ્યા છે. હજુ પણ વરસાદ પડી રહ્યો છે અને ટ્રાફિક જામ સર્જાયો છે.

ડુંગર ગામની સુકવો નદી બે કાંઠે વહેતી થઈ
અમરેલી જિલ્લામાં રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ડુંગર ગામની સુકવો નદીમાં પૂર આવ્યું હતું. ધોધમાર વરસાદના કારણે ખેતરો તળાવમાં ફેરવાયા હતા. ડુંગર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બે ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...