માવઠું:કેરી પકવતા ખેડૂતો ચિંતિત: સતત બીજા દિવસે પણ આકાશમાં વાદળો છવાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું
  • બપોરબાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારમા વરસાદી વાદળો છવાયા : ગોવિંદપુર, સુખપુર, કુબડા પંથકમાં ઝાપટાં

અમરેલી પંથકમા છેલ્લા બે દિવસથી માવઠાનો માહોલ સર્જાયેલો છે. ત્યારે ગઇકાલે કેટલાક વિસ્તારમા કમોસમી વરસાદ થયા બાદ આજે સતત બીજા દિવસે ધારી પંથકના કેટલાક ગામમા ઝાપટા પડયા હતા. માવઠાનો માહોલ હોય કેરીનો પાક લેતા ખેડૂતોમા ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

કમોસમી વરસાદે અમરેલી જિલ્લામા પાકને નુકશાન પહોંચાડવાનુ શરૂ કર્યુ છે. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા ગઇકાલે કમોસમી વરસાદથી ઘઉં, ધાણા અને કેરીના પાકને નુકશાન થયુ હતુ. ગઇકાલે ગીરકાંઠાના ધારી તાલુકાના ગામડાઓમા પણ કમોસમી વરસાદ પડયો હતો.

દરમિયાન આજે બીજા દિવસે પણ અમરેલી જિલ્લામા માવઠાનો માહોલ યથાવત જોવા મળ્યો હતો. અમરેલીમા ગઇકાલે સાંજે વિજળીના કડાકા ભડાકા થયા બાદ આજે સવારે આકાશમા આછેરા વાદળો નજરે પડયા હતા. જો કે મોડી સાંજ થતા સુધીમા આકાશમા ઘનઘોર વાદળો પણ ચડી આવ્યા હતા. જો કે અમરેલીમા માવઠુ થયુ ન હતુ.

આજે બપોરબાદ ધારી ચલાલા પંથકમા આકાશ વરસાદી વાદળોથી ઘેરાયુ હતુ. બપોરબાદ ધારી તાલુકાના ગોવિંદપુર, સુખપુર, કુબડા, સરસીયા વિગેરે ગ્રામ્ય વિસ્તારમા હળવા ઝાપટા પડયા હતા. હાલમા અનેક ખેડૂતોને ઘઉં અને ધાણા જેવો રવિ પાક હજુ વાડી ખેતરમા ઉપાડેલો પડયો છે. જેને નુકશાનની ભીતિ છે. બીજી તરફ સાવરકુંડલા, ધારી, ખાંભા પંથકમા મોટા પ્રમાણમા ખેડૂતો કેરીનો પાક પણ લઇ રહ્યાં છે.

હાલમા આંબા પર કેરીઓ મોટી થવા લાગી છે અને પાક પણ સારો છે પરંતુ હવામાન વિભાગ દ્વારા આંધી સાથે કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. જેના પગલે કેરીનો પાક લેનારા ખેડૂતોમા ચિંતા જોવા મળી રહી છે. ભારે પવન સાથે વરસાદ આવશે તો ખેડૂતોના મોઢે આવેલો કોળીયો ઝુંટવાઇ જવાની ભીતિ છે.

વડિયા પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ
વડીયા પંથકમા આજે સાંજના સુમારે એકાએક વાતાવરણ પલટાઇ ગયુ હતુ અને વિજળીના કડાકા ભડાકા અને કરા સાથે અહીના સુર્યપ્રતાપગઢ, અરજણસુખ, ખાખરીયા ગામમા કમોસમી વરસાદ ખાબકયો હતો. જેને પગલે ખેડૂતોનો ઘઉં, ચણા, જીરું, લસણ સહિતના તૈયાર થયેલા પાકને વ્યાપક નુકશાની પહોંચી છે. તસવીર- જીતેશગીરી ગોસાઇ

ઘઉં, ધાણાના પાથરા ઉડી ગયા
ધજડીમા અનેક ખેડૂતોએ ઘઉં અને ધાણા ઉપાડી વાડીમા પાથરા રાખ્યા હતા. ભારે પવન આંધી સાથે અહી વરસાદ ત્રાકટતા ઘઉં અને ધાણાના પાથરાઓ ઉડી ગયા હતા અને પલળી ગયા હતા. જેના કારણે ખેડૂતોનો તૈયાર પાક ખરાબ થયો હતો.

ધજડીમાં વીજળી સાથે એક ઇંચ
બીજી તરફ સાવરકુંડલાના ધજડીમા ગઇકાલે બપોરે ત્રણથી ચાર દરમિયાન ભારે પવન સાથે એક ઇંચ વરસાદ પડયો હતો. ખેડુતોને તેમની ખેત જણસો સલામત સ્થળે પહોંચાડવાનો મોકો ન મળતા પાકને નુકશાન થયુ હતુ. ભારે પવને વાડીમા ઉભેલા ઘઉંને સુવડાવી દીધા હતા. અહી ચણાના પાકને પણ નુકશાન થયુ છે.

અન્ય સમાચારો પણ છે...