અમરેલી સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારે બે વર્ષ પહેલા તાઉતે વાવઝોડાએ તબાહી મચાવી હતી. આ વાવાઝોડાની સૌથી વધુ અસર રાજુલા, જાફરાબાદ પંથકમાં આવેલા બાગાયતી ખેતીને થઈ હતી. જેથી ખેતીમાં વ્યાપક નુકસાન જવાના કારણે આંબાના બગીચાઓનો નાશ થયો હતો. જોક, વાવાઝોડાનો માર સહન કરીને ફરી એક વખત આ પંથકમાં આંબાના બગીચાઓનું જતન ખેડૂતોએ કર્યું છે. જેથી ફરી આ પંથકમાં કેરીની મબલખ આવક થશે.
વાવાઝોડાની તબાહી બાદ ફરી આંબાનું જતન કર્યું
આ વર્ષે રાજૂલા, સાવરકુંડલા, ધારી, ચલાલા વિસ્તારમાં કેરીના ઉત્પાદનમાં મબલક વધારો થશે. અત્યારથી કેરીના ફળ આવી રહ્યો છે. ઉત્પાદન સૌથી વધારે આવી રહ્યું છે જેના કારણે કેસર કેરીનો સ્વાદ આ વર્ષે મીઠો લાગશે કેમ કે વધુ ઉત્પાદન થવાના કારણે કેરી સસ્તી મળશે જેના કારણે માર્કેટમાં સૌથી વધુ વહેચાણ થશે. રાજુલા તાલુકાના વડ ગામના ખેડૂતો મોટાભાગે કેરીનું વાવેતર કરી રહ્યા છે. ખેડૂતોના કહેવા પ્રમાણે આંબામાં હાલ કેરીઓ ખૂબ આવી રહી છે અને સારું ઉત્પાદન થઈ રહ્યું છે. ટૂંકા દિવસોમાં ખેડૂતો એ તાઉતે વાવાઝોડાની તબાહી બાદ ફરી આંબાનું જતન કર્યું છે. જેથી મહેનત સફળ નિવડી છે અને કુદરત ફરી આ વર્ષે ખેડૂતો પર મહેરબાન થયું છે. આંબાના બગીચા ધારકોમાં પણ ખુશી છે.
આ વર્ષે કેસર કેરીનો સ્વાદ લોકોને ચાખવા મળશે
રાજુલા તાલુકાના વડ ગામમા મોગભાગે ખેડૂતો આંબાનું વાવેતર વર્ષોથી કરી રહ્યા છે જેના કારણે અહીં એક જ ગામમાં 50 થી 70 હજાર જેટલા આંબાના વૃક્ષો આવેલા છે. કેરીનો પાક સારો થતો હોવાથી આ ગામની કેસર કેરી પણ રાજકોટ, ગોંડલ, જૂનાગઢ અને સૌરાષ્ટ્રભરમાં તેમજ રાજસ્થાન સુધી સપ્લાય કરવામાં આવે છે. જોકે, બે વર્ષ પહેલા આવેલા તાઉતે વાવાઝોડાના કારણે કેરીઓનો પાક સતત નિષ્ફળ ગયો હતો. પરંતું આ વર્ષે કેસર કેરીનો સ્વાદ લોકોને ચાખવા મળશે તે નક્કી છે. ગામના ખેડૂતો પણ વધુ ઉત્પાદન થવાના કારણે ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. તાઉતે વાવાઝોડામાં અહીં માત્ર આ વડ ગામના ખેડૂતોનો જ બાગાયતી પાકમાં કરોડો રૂપિયાનું નુકસાન ગયું હતું, પરંતુ કહેવત છેને કે કુદરત લઈ લે તેમ આપી પણ કુદરત જ દે છે હાલમાં આંબામાં મોર અને કેરીઓનો પાક ખીલી ઉઠ્યો છે.
ખેડૂત અજયભાઈએ જણાવ્યું હતું કે, વાવાઝોડા વખતે બોવ મોટું નુકસાન ગયું હતું. પણ આ વખતે અઢળક પાક આવ્યો છે. અમારી કેરીઓ સૌરાષ્ટ્રભરમાં એક્સપોટ થાય છે.
રાજસ્થાન સુધી કેરીઓનું વેંચાણ થાય છે
વડ ગામના રમેશ ગઢવીએ જણાવ્યું કે, અહીં 50 થી 70 હજાર જેટલા આંબાનું વાવેતર છે. આ વખતે સારું ઉત્પાદ છે. અત્યારથી મોટા ફળ આવ્યાં છે. એકાદ મહિનામાં માર્કેટમાં કેરીઓ જોવા મળશે એવું લાગે છે. અમારી કેરી રાજસ્થાન સુધી જાય છે. વાવાઝોડા વખતે એવું લાગતું હતું પાંચ વર્ષ સુધી કેરીઓ નહીં મળે પણ અત્યાર સુધીમાં ન આવ્યું હોય તેવું ઉત્પાદન અત્યારે જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.