સંતના નિધનથી શહેરીજનોમાં શોક:અમરેલીના રાજુલામાં ઘરે ઘરે જઈ રોટલો ઉઘરાવી ગરીબોને જમાડનારા મહંત પ્રભુદાસબાપુનું નિધન

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંતનું દુઃખદ નિધન થતાં બહોળી સંખ્યામાં લોકો સ્મશાનયાત્રામાં જોડાયા
  • હીરા સોલંકી સહિત વિવિધ આગેવાનોએ પ્રભુદાસ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

અમરેલીના રાજુલા શહેરમાં આવેલા મારૂતિ ધામ ખાતે વર્ષોથી સેવાપૂજા કરતા પ્રભુદાસબાપુનું આજે બુધવારના રોજ નિધન થતાં શહેરીજનોમાં શોક વ્યાપી જવા પામ્યો છે. મહંત પ્રભુદાસ બાપુ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રાજુલા શહેરના વિવિધ વિસ્તારમાંથી ઘરે ઘરે જઈ રોટલો અને શાક ઉઘરાવી મારૂતિ ધામે આવતા અને દરેક ગરીબો તેમજ ભિક્ષાવૃત્તિ કરતા નિરાધાર લોકોને જમાડતા હતા. આ સેવા રાજુલા શહેરમાં વર્ષોથી ચાલી રહી હતી, જેથી બાપુ સાથે સમગ્ર શહેરના લોકોની આસ્થા જોડાયેલી હતી. આજે તેમનું દુઃખદ નિધન થતાં બહોળી સંખ્યામાં લોકો સ્મશાનયાત્રામાં જોડાયા હતા અને શોકમય વાતાવરણ જોવા મળ્યું હતું.

સુપ્રસિદ્ધ મારૂતિધામમાં ધર્મપ્રેમી જનતા અને સ્થાનિક શહેરીજનો સહિત લોકો અહીં આવતા હોય છે. જ્યાં બપોર થાય એટલે સમગ્ર શહેરના રખડતા-ભટકતા લોકો, સાધુ-સંતો અને ભિક્ષુક લોકો જમવા આવે છે. ત્યારે આ લોકો માટે સમગ્ર શહેરના વિવિધ વિસ્તારમાંથી પ્રભુદાસબાપુ રોટલા-શાક ઉઘરાવી મારૂતિ ધામ લાવી ભોજન પ્રસાદ કરાવતા હતા. આ સેવા ઘણા વર્ષોથી અવિરત ચાલતી હતી. આજે તેમનું નિધન થયા બાદ પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી સહિત વિવિધ રાજકીય પાર્ટીના લોકો સહિતના આગેવાનોએ પ્રભુદાસ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આ સંતની સદાય ખોટ રહેશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...