પશુ માલિકોમા ફફડાટ:જિલ્લામાં 25 ગામોમાં પ્રસર્યો લમ્પી વાયરસ, અત્યાર સુધીમાં 422 પશુમાં દેખાયા લક્ષણ

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાબરા-સાવરકુંડલા-લીલીયા અને લાઠી તાલુકો સૌથી વધુ અસરગ્રસ્ત

અમરેલી જિલ્લામા લમ્પી વાયરસનો પગપેસારો વધુને વધુ ગામો સુધી ફેલાઇ રહ્યો છે. જેને પગલે પશુ માલિકોમા ફફડાટ છે. અત્યાર સુધીમા 25 ગામોના પશુમા લમ્પી વાયરસ જોવા મળ્યો છે. જેના કારણે આ ગામોમા રસીકરણ પુરજોશમા ચાલુ કરાયુ છે. જો કે સદનશીબે જિલ્લાના સાત તાલુકામા હજુ આ વાયરસ દેખાયો નથી. અમરેલી જિલ્લામા લમ્પી વાયરસ સૌથી વધુ ગૌવંશમા જોવા મળી રહ્યો છે. આ વાયરસ ભેંસમા પણ પ્રસરી શકે છે. પરંતુ તેવા કેસો બહુ ઓછા હોય છે.

અમરેલી જિલ્લામા હજુ સુધી એકપણ ભેંસમા લમ્પી વાયરસ જોવા મળ્યો નથી. માત્ર ગાય, બળદ અને વાછરડામા આ વાયરસ કુદકેને ભુસકે પ્રસરી રહ્યો છે. જિલ્લામા આ વાયરસની એન્ટ્રી બાબરા તાલુકાના નાની કુંડળ અને ઇશ્વરીયા ગામથી થઇ હતી.ત્યારબાદ સાવરકુંડલા, લીલીયા અને લાઠી તાલુકામા પણ પશુઓમા લમ્પી વાયરસ દેખાયો છે. અત્યાર સુધીમા આ ચાર તાલુકાના 25 ગામો સુધી લમ્પી વાયરસ પ્રસર્યો છે. પશુપાલન વિભાગ દ્વારા તેના સર્વે માટે જિલ્લામા 11 ટીમો કાર્યરત કરાઇ છે.

પશુપાલન વિભાગના સુત્રોએ જણાવ્યું હતુ કે જિલ્લામા અત્યાર સુધીમા 422 પશુઓમા લમ્પી વાયરસ દેખાયો છે. આ તમામ પશુઓ ગૌવંશના છે. તેની સામે આ તમામ ગામોમા પુરજોશથી રસીકરણ કરાઇ રહ્યું છે. જે પશુમા લમ્પી વાયરસના લક્ષણ ન હોય તેવા પશુઓને હાલમા રસી આપવામા આવી રહી છે. ગઇકાલ સુધીમા જિલ્લામા 10250 પશુઓને વેકસીન આપવામા આવી હતી. હાલમા 70 ટકાથી વધુ પશુમા પશુ રોગગ્રસ્ત થયા બાદ રીકવરી જોવા મળી રહી છે.

અત્યાર સુધીમા 7 પશુના મોત
અમરેલી જિલ્લામા લમ્પી વાયરસથી ગાયોના મોતની ઘટના બાબરા તાલુકામા બની છે. નાની કુંડળ અને ઇશ્વરીયા ગામમા 7 પશુના મોત થયા છે. તંત્રએ દાવો કર્યો છે કે અન્ય કોઇ સ્થળે પશુના મોત થયા નથી.

તંત્ર પાસે 13 હજાર રસીનો જથ્થો ઉપલબ્ધ
અમરેલી જિલ્લાના પશુપાલન વિભાગ પાસે 25 હજાર જેટલી વેકસીનનો જથ્થો ઉપલબ્ધ હતો. સઘન રસીકરણ બાદ પણ હજુ જિલ્લામા 13 હજાર વેકસીન ઉપલબ્ધ હોવાનુ સુત્રોએ જણાવ્યું હતુ.

કયા તાલુકામા લમ્પી વાયરસ નથી દેખાયો
અમરેલી જિલ્લામા વડીયા, બગસરા, અમરેલી, ધારી, ખાંભા, રાજુલા અને જાફરાબાદ તાલુકામા હજુ લમ્પી વાયરસના કેસ જોવા મળ્યાં નથી. અત્યાર સુધીના તમામ કેસ બાબરા, સાવરકુંડલા, લીલીયા અને લાઠી તાલુકામા મળ્યાં છે.

જાત્રોડામા રસીકરણ કેમ્પ યોજાયો
લીલીયા તાલુકાના જાત્રોડામા પશુઓમા લમ્પી વાયરસને પગલે પશુઓને રસીકરણ કરાયુ હતુ. અહી ડો.એન.બી.પડીયા, ડો.સાવલીયા, પશુપાલન સમિતિના ચેરમેન નરેન્દ્ર ફિંડોળીયા, ભીખાભાઇ ધોરાજીયા, સુખાભાઇ, મુકેશભાઇ ધાનાણી વિગેરેની ઉપસ્થિતિમા રસીકરણ કેમ્પ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...