રજૂઆત:રાજુલાથી બાબરીયાધાર સ્ટેટ હાઇવેનું ધોવાણ થતાં બિસ્માર હાલતમાં, સ્થાનિક જિલ્લા પંચાયત સદસ્યએ નવો બનાવવા માંગ કરી

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના કેટલાય સ્ટેટ હાઇવે અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો પરેશાન

અમરેલી જિલ્લામાં આવેલા તાઉ-તે વાવાઝોડાને લીધે અને ત્યારબાદ ધોધમાર પડેલા વરસાદના લીધે જિલ્લાના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે. જેના લીધો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત અકસ્માતનો પણ ભય વધ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કેટલાય રસ્તાઓ નવા મંજૂર કરાયા છે. જોકે, તેની સત્વરે કામગીરી ન કરાતાં જિલ્લા પંચાયત કોંગ્રેસના સદસ્ય જેરામભાઈ કાછડ દ્વારા આર.એન.બી.વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

જેરામભાઈ કાછડ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, રાજુલાથી બાબરીયાધાર સુધી 15થી 18 કિમી સુધીનો માર્ગ અતિ બિસ્માર હોવાને કારણે વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે. આસપાસના ગામડાના લોકો અને વિધાર્થીઓ અપડાઉન કરતા હોય છે તેમને વધુ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિક આગેવાનોએ વાંરવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ નિરાકરણ નહિ આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જિલ્લા પંચાયત સદસ્ય જેરામભાઈ કાછડએ કહ્યું હતુ કે, આ રોડને મંજુર કરી નવો બનાવવા મારી માંગણી છે. ઉપરાંત જંગલ કટિંગ પણ કરવાની જરૂર છે. મેં આજે અલગ અલગ વિભાગોને પત્ર પણ લખ્યો છે.

રાજુલા - સાવરકુંડલા સ્ટેટ હાઇવે અતિ બિસ્માર

રાજુલાથી સાવરકુંડલા સ્ટેટ હાઇવે બાઢડા ગામ સુધી અત્યંત બિસ્માર હાલતમાં છે. આ કરોડોના ખર્ચએ મંજૂરી મળી ગઈ છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં હજુ કોન્ટ્રાકટરો દ્વારા આ રોડ બનાવવા નું શરૂ નહીં કરતા આસપાસના લોકો વાહન ચાલકો ભારે હાડમારી અનુભવી રહ્યા છે. આ રોડ આશરે 25 કિમી સુધી અત્યંત ખરાબ હાલતમાં છે.

રાજુલાથી મહુવા રોડ પણ બિસ્માર

રાજુલાથી મહુવા રોડ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેને જોડતો છે, પરંતુ કેટલાય ટાઈમથી આ કામગીરી પણ ટલે ચડેલી છે. ક્યાંક કામગીરી શરૂ છે તો ક્યાંક અધૂરી છે તો કેટલાક કિમી પૂરતી કામગીરી સંપૂર્ણ બંધ છે. જેના કારણે ઇમરજન્સી જતા વાહનો એમ્બ્યુલન્સ સહિત રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...