એક સમય હતો જયારે જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાય હતા ત્યારે અમરેલી જિલ્લાના બુટલેગરો ભુગર્ભમા ઉતરી ગયા હતા. પરંતુ તેમના ગયા બાદ પોલીસે બેફામ હપ્તાખેારી શરૂ કરી છે અને જિલ્લાભરમા ઠેરઠેર દેશી તથા ઇંગ્લીશ દારૂના હાટડા શરૂ થઇ ગયા છે. જાણે બાર ખુલી ગયા હોય તેમ છડેચોક દારૂનુ વેચાણ થઇ રહ્યું છે. બરવાળા, ધંધુકા અને બોટાદ પંથકમા લઠ્ઠાકાંડના કારણે મોટી સંખ્યામા લોકોએ જીવ ગુમાવ્યા છે. આવો લઠ્ઠાકાંડ અમરેલી પંથકમા પણ ગમે ત્યારે તોળાઇ રહ્યો છે. કારણ કે પોલીસની હપ્તાખોરી અને મીઠી નજર હેઠળ ગામે ગામ દેશીદારૂની ભઠ્ઠીઓ ધમધમવાનુ શરૂ થયુ છે.
દેશી દારૂના આ ધંધાર્થીઓ પણ જાણે ત્રણ વર્ષની ભુખ ભાંગવી હોય તેમ દિવસ રાત ભઠ્ઠીઓ ધમધમવા લાગી છે અને દેશીદારૂમા હાનિકારક પદાર્થો અને કેમીકલ પણ ભેળવવામા આવી રહ્યાં છે. પીપાવાવ નજીક ફોરવે પર તો દેશીદારૂની દુકાન જ ખોલી નાખવામા આવી છે. અહીથી પોલીસકર્મીઓ નિયમીત હપ્તામેળવે છે. બગસરામા પણ ભુગર્ભમા ઉતરી ગયેલા બુટલેગરો ફરી સક્રિય થયા છે. અને શહેરમા જ અનેક સ્થળે દેશી અને ઇંગ્લીશ દારૂ વેચાવા લાગ્યો છે. કોલેજ રોડ પર મેઘાણી હાઇસ્કુલ નજીક જાણે રીતસર બાર ખુલી ગયુ હોય તેમ ખુલ્લેઆમ ઇંગ્લીશ દારૂનુ વેચાણ થઇ રહ્યુ઼ છે.
આ બધુ પોલીસની મીઠી નજર હેઠળ ચાલે છે. ત્યારે પકડશે કોણ તેવો સવાલ ઉઠવા પામ્યો છે. લીલીયામા પણ નામચીન બુટલેગર ફરી સક્રિય થયા છે અને મોટા પ્રમાણમા શહેરમા ઇંગ્લીશ દારૂ ઠાલવી રહ્યાં છે. આ એ જ પોલીસકર્મીઓ છે જે અગાઉ દારૂના ધંધાર્થીઓ પાછળ પડયા હતા. હવે ફરી આવા ધંધાર્થીઓને શોધી સેટીંગ કરી રહ્યાં છે.
અમરેલીમાં બુટલેગરોનો ધમધોકાર વેપાર
સમગ્ર અમરેલી શહેરને જાણે દારૂનુ પીઠુ બનાવી દેવાયુ છે. બાયપાસ ઉપરાંત રોકડીયાપરા, બહારપરા અને કસબામા ખુલ્લેઆમ ઇંગ્લીશ દારૂનુ વેચાણ થાય છે. નાના બસ સ્ટેન્ડ નજીકની ગલીમા પણ ઇંગ્લીશ દારૂનો વેપલો ચાલે છે. જયારે દેશીદારૂના અડ્ડાઓ તો ગણ્યા ગણાય નહી તેટલા છે.
બગસરામાં જાહેરમાં ફેંકાઇ છે ખાલી બોટલો
બગસરામા સ્થિતિ કેટલી હદે કથળી છે તે આ દ્રશ્ય દર્શાવે છે. અહી ઇંગ્લીશ દારૂની બોટલો અને બિયરના ખાલી ટીન આ રીતે જાહેર રસ્તા પર જ જયાં ત્યાં ફેંકી દેવાયેલા નજરે પડી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.