માનવ વસાહત વચ્ચે સિંહોનું નિવાસ સ્થાન:ગીર પછી હવે અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોનો દબદબો, રેવન્યુ વિસ્તારમાં માનવીઓ જ સાચવી રહ્યા છે વનરાજાને

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના ત્રણ જિલ્લા પૈકી અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ
  • રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી
  • ગીરના જંગલ કરતા અહીંયા સિંહો વધુ તંદુરસ્ત
  • આ વિસ્તારમાં હજુ સુધી એક પણ ભેદી રોગ નથી આવ્યો

ગીર જંગલના વનરાજ દેશનુ ગૌરવ આનબાન અને શાન સમા સિંહો એક સમયે ગીરના જંગલમાં જોવા મળતા હતા. હવે તેમનો વસવાટ ગુજરાતના દરિયા કિનારા સુધી પહોંચી ગયો છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં તો સિંહોનુ અનોખુ નિવાસ સ્થાન ઉભુ કરાયુ છે. સામાન્ય રીતે ગીર સોમનાથ અને જૂનાગઢમા સિંહો જંગલ વિસ્તારમાં વધુ જોવા મળે છે, પરંતુ અહીં એક અનોખુ સિંહોનુ જીવન છે. આ સિંહોને કુદરતી રીતે અહીં વાતાવરણ અનુકૂળ આવી જવાના કારણે સમગ્ર દરિયા કાંઠા કોસ્ટલ વિસ્તાર રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી છે. સિંહો અહીંના તંદુરસ્ત પણ વધુ જોવા મળે છે.

વનરાજાને માનવીઓ સાચવે છે
સિંહોનું નામ સાંભળી સ્વભાવિક છે લોકો ડરતા હોય છે, પરંતુ આ સિંહો માનવ વસાહત વચ્ચે માનવીની જેમ જ મોટા થાય છે. દરરોજ અનેક જગ્યા પરથી સિંહો વાહન ચાલકો અને માનવી નજીકથી પસાર થાય છે. જ્યારે આ વિસ્તારના લોકો પણ સિંહોને એટલા જ લાગણીથી રાખી રહ્યા છે. ઉધોગ ગૃહ વિસ્તારમાં સિંહો રોડ ક્રોસ કરે અથવા તેમની લટાર વખતે લોકો પોતાના વાહનો ઉભા રાખી દે છે અને 3થી 5 મિનિટમાં સિંહો તેમનો રોડ ક્રોસ કરી શાંતિ પૂર્ણ રીતે નિકળી જાય છે. આ વિસ્તારમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પણ પસાર થાય છે જેથી ગુજરાત અને બહારના વાહન ચાલકો ને પણ અનેક વખત હાઇવે ઉપર રાત્રીના અને વહેલી સવારે અચાનક સિંહ દર્શન થાય છે અને બહારના લોકો પણ ચોંકી ઉઠે છે. જ્યારે સ્થાનિક લોકોને હવે આ રોજીંદુ બની રહ્યું છે.

સૌથી વધુ રોડ ક્રોસ અહીંયા કરે છે
સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં રાત્રીના સમયે સિંહો રોડ ક્રોસિંગ કરે છે. ખાંભા વિસ્તારમાં પણ સ્ટેટ હાઇવે પર વાંરવાર સિંહો રોડ ક્રોસિંગ કરતા હોય છે. જ્યારે રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ વિસ્તારના મોટાભાગના હાઇવે ઉપર ઉપર 24 કલાક રોડ ક્રોસિંગ કરી રહ્યા છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર ટીંબી, નાગેશ્રી, ચારનાલા સુધી સાંજના સમયે રાત્રીના ટાઈમે સિંહો રોડ ક્રોસ કરતા હોય છે. પીપાવાવ ફોરવે રોડ ઉપર વહેલી સવારે અને સાંજના રાત્રીના ટાઈમે સિંહો ફોરવે પર લટાર મારી ક્રોસ થાય છે. કોવાયાથી પીપાવાવ રિલાન્સ બી.એમ.એસ રોડ પર રાત્રીના અને વહેલી સવારે સિંહ પરિવારનું આખુ ટોળુ પુલ પર બેસવા આવે છે. જોકે, અહીં આસપાસ જ વસવાટ હોવાને કારણે સિંહો વધુ રોડ પર આ વિસ્તારમાં જોવા મળે છે.

અમરેલી જિલ્લામા કયા કયા વિસ્તારમાં સિંહોનો વસવાટ
રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, લીલીયા અને ધારીના વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં સિંહોનો વસવાટ છે. જ્યારે માનવ વસાહત વચ્ચે સિંહોની સંખ્યા વધી અને માનવી વચ્ચે સતત આંટા ફેરાના કારણે ખેડૂતો અને ઉધોગો વાહન ચાલકોમા હવે સિંહોનો ડર જોવા મળતો નથી.

હજુ સુધી નથી આવ્યો એક પણ ભેદી રોગ
ગીર જંગલમા અનેક વખત સિંહો ઉપર નાના મોટા રોગચાળા આવતા હોય છે અને ભેદી રીતે સિંહોના મોત અનેક વખત થયા છે. ભૂતકાળમા વર્ષ 2017માં ધારી ગીર જંગલમાં બેબસિયા રોગના કારણે 25 કરતા વધુ સિંહોના મોત થયા હતા. જ્યારે આ કોસ્ટલ વિસ્તારમા હજુ સુધી કોઈ સિંહોનું કોઈ રોગમાં મોત થયાનુ સામે નથી આવ્યુ.

ગીર કરતા સૌથી વધુ કોસ્ટલના સિંહો તંદુરસ્ત
ગીર જંગલ કરતા વધુ રાજુલા જાફરાબાદ ઉધોગ વિસ્તારના સિંહો વધુ તંદુરસ્ત છે દરિયા કાંઠે ખારા પાટના કારણે સિંહોને ચાંમડી પણ સારી રહે છે. ઉપરાંત ઇનફાઈટની ઇજાઓ પણ જલ્દી રૂજાય છે. ગીર જંગલમાં ખુબ વધુ સમય લાગે છે અને ખુલો વિસ્તાર ગીર કરતા મોટો વિસ્તાર અહીં સિંહો મારણ ફ્રેશ ખાય છે. એક વખત મારણ કર્યા પછી બીજા દિવસે એક જ મારણ સિંહો નથી ખાતા. જ્યારે ગીર જંગલમાં એકનું એક મારણ સતત 2 ચાર દિવસ સુધી આરોગતા હોય છે. અહીં સિંહો માણસોની જેમ ફ્રેશ શિકાર કરી આરોગે છે.

રેવન્યુ વિસ્તારના સિંહો ચોમાસા વધુ ડુંગરા પર રહે છે
સિંહો ચોમાસામા વરસાદી માહોલના કારણે રેવન્યુ વિસ્તારની વાડી વિસ્તારમાં પાણી ભરાવવાના કારણે કાદવ કીચડ અને મછરોના ત્રાસના કારણે ડુંગર પર ચડી જાય છે અને 24 કલાક દરમિયાન વધુ પડતા સિંહો ડુંગર પર જ વસવાટ બનાવી દે છે.
ઉનાળા અને શિયાળાની ઋતુમા સિંહોની રહેણાંક વિસ્તારમાં વધુ અવર જવર
શિયાળો અને ઉનાળામા સિંહો વધુ પડતા રૂલર ગ્રામ્ય વિસ્તારના રહેણાંક મકાનો અને શેરી ગલીઓમા રોજિંદો વસવાટ વધતો હોય છે. જ્યારે સિંહો ભૂખ્યા થાય એટલે રહેણાંક વિસ્તાર સુધી ઘૂંસી જાય છે અને કેટલીક વખત તો દીવાલો ઉપર છલાંગ લગાવી શિકાર માટે ખેડૂતોના ફરજા ઉપર પણ પશુનો શિકાર કરવા માટે ત્રાટકી જાય છે. જોકે, પરિવારજનો ઉઠીને હાકલા પડકારા કરી સિંહોને શ્વાનની જેમ ભગાવે છે અને સિંહો માનવીના ઈશારે ભાગી પણ જાય છે.

વર્ષ 2005થી રેવન્યુ વિસ્તારમાં વસવાટ વધ્યો
વર્ષ 2005થી એટલે કે 15થી 18 વર્ષ પછી સિંહોની સંખ્યા ગીર જંગલ પછી રેવન્યુ વિસ્તારમાં વધુ પડતી વધી રહી છે અને 2021માં હાલ સિંહો એ નવુ નિવાસસ્થાન ઊભુ કર્યું છે અને વાતાવરણ ગીર કરતા વધુ અહીં અનુકૂળ જોવા મળી રહ્યું છે.

અમરેલી જિલ્લામા ત્રણ અભિયારણ છે. અમરેલી જિલ્લામાં મિતિયાળા અભિયારણ, પાણીયા અભિયારણ અને ગીર અભિયારણ આવેલા છે. મહત્વની વાત એ છે કે, 1થી વધુ અભિયારણ અન્ય જિલ્લામાં નથી માત્ર બનાસકાંઠા અને અમરેલી, આ બે જિલ્લામાં 3 અભિયારણ આવેલા છે.

અમરેલી જિલ્લામાં 2 અતિ મહત્વના ડીવીઝન આવેલા છે
ધારી ગીર પૂર્વની કુલ 7 રેન્જનો સમાવેશ થાય છે જેમા મોટાભાગની અમરેલી જિલ્લામાં રેન્જ આવે છે. સાથે પાલીતાણા શેત્રુંજી ડીવીઝનની 7 રેન્જ છે. જેમાં અમરેલી જિલ્લામા લીલીયા, રાજુલા,જાફરાબાદ આ ત્રણ રેન્જમા વધુ સિંહોનો વસવાટ અમરેલી સામાજિક વનીકરણ ડીવીઝનમાં અમરેલી તાલુકામાં સિંહોની અવર જવર છે વસવાટ હજુ નથી થયો.

19મી સદીમા દિલ્હી અને પટણામાં સિંહો હતા
ભાવનગર સ્ટેટના રેકોડના રિપોટમાં પણ છે કે, અગાઉ 19મી સદીમાં સિંહો દિલ્હી પટનામા પણ હતા જ્યારે તેમની સંખ્યા વધતી જાય તેમ તેમનો વિસ્તાર વધતો જાય છે.

સિંહોના જાણકાર લોકો શુ કહી રહ્યા છે
અમરેલી જિલ્લાના સિંહપ્રેમી અને પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરીએ જણાવ્યું હતુ કે, ગીર પછી બૃહદગીર રેન્જ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી રહી છે. સાથે આ રાજુલા જાફરાબાદ પીપાવાવ વિસ્તારના ગામડામા 3 જ્ઞાતિના લોકો કાઠી ક્ષત્રીય સમાજ, આહીર સમાજ અને કોળી સમાજના લોકો ગ્રામ્ય વિસ્તારમાં સિંહોને વધુ સાચવી રહ્યા છે. વનવિભાગને ખૂબ મદદરૂપ પણ થાય છે. સિંહો પ્રત્યે તેમની લાગણીઓ મેં ખૂબ જોઇ છે. જ્યારે સિંહો આ વિસ્તારમાં પ્રવેશ્યા બાદ ગીર જંગલની જેમ આ વિસ્તારમાં ઘાસ પણ વધી રહ્યું છે. એટલે રેવન્યુ વિસ્તાર એક જંગલ જેવો બની રહ્યો છે. સાથે અહીંના સિંહોની વિશેષતાએ પણ છે અહીં સિંહો ખૂબ ભરેલા, ચોખા જોવા મળશે તેમની મુમેન્ટ કઈક અલગજ અંદાજમા જોવા મળે છે. સિંહો પાછળ આ વિસ્તારમા હવે હરણો પણ આવી રહ્યા છે. માણસો અને સિંહો વચ્ચે ખૂબ પ્રેમ ભાવ જોવા મળે છે જેના કારણે સિંહો અને માનવી વચ્ચે ખૂબ સારો તાલમેલ જળવાઇ રહ્યો છે. અમે તો ગૌરવ લઇએ છીએ કે અમરેલી જિલ્લામા સિંહોનો વસવાટ ખૂબ સારી રીતે વધી રહ્યો છે.

સિંહ સંરક્ષણ માટે લોકોનો સિંહ ફાળો કહી શકાય: સીસીએફ
જૂનાગઢ સી.સી.એફ દુષ્યંત વસાવડાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, સિંહોની વસ્તી વધી રહી છે તેમા સરકાર પૂરતા પ્રયત્નો કરે જ છે સાથે ગીર અને રેવન્યુ વિસ્તારના સ્થાનીક લોકો છે. તેમા સિંહ સંરક્ષણ માટે તો લોકોને ખુબ મદદ કરે છે એવું કહી શકાય, સિંહ ફાળો છે. જ્યારે દરિયા કાંઠે રાજુલા જાફરાબાદ વિસ્તારમાં પણ અમારી વાડીઓ આવેલી છે જેમ જેમ વિસ્તાર વધતો જાય છે તેમ સિંહો તેમનો વિસ્તાર વધારતા હોય છે. અમરેલીમા વધુ સિંહો છે અને બધા જ તંદુરસ્ત સિંહો જ છે.

સિંહોની સંખ્યામાં અમરેલી જિલ્લો આગળ

  • અમરેલી જિલ્લામા સિંહોની સંખ્યા-233
  • ગીર સોમનાથ જિલ્લામાં-184
  • જૂનાગઢ જિલ્લામાં-173

આ છેલ્લે પૂનમ અવલોકન સમયે સિંહોના લોકેશન મેળવી ગણતરી કરાય હતી તે આંકડા વનવિભાગ પાસે નોંધાયેલા છે. સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે માત્ર રાજુલા-જાફરાબાદ પંથકમાં 90 ઉપરાંત સિંહોનો વસવાટ છે. જે સ્થાનિક વનવિભાગ પણ જાણે છે, પરંતુ સત્તાવાર રીતે આ આંકડો વનવિભાગમાં નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...