માનવભક્ષી સાવજ:બગસરાના કડાયામાં મજૂરની 5 વર્ષની બાળકીને ઉઠાવી જઇ સિંહે ફાડી ખાધી

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાવજ માનવભક્ષી બની જતા લોકોમાં ભયનો માહોલ

બગસરા તાલુકાના કડાયા ગામની સીમમાં ભાગવી વાડી રાખી ખેતીનું કામ કરતા રાજસ્થાની મજૂરની પાંચ વર્ષની બાળકીને રાત્રિના સમયે એક સાવજ ઉપાડી ગયો હતો. એક કિમી દૂર સુધી લઈ જઇ સાવજે બાળકીને ફાડી ખાધી હતી. બાદમાં એકઠા થયેલા ગામલોકોએ સાવજના મોમાંથી બાળકીનો મૃતદેહ છોડાવ્યો હતો. અહીં એક સાવજ માનવભક્ષી બની જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ત્રણ વર્ષો પહેલા આ વિસ્તારમાં જ માનવભક્ષી દીપડાએ આંતક મચાવ્યો હતો. અને પાંચ લોકોને ફાડી ખાધા હતા. ત્યારબાદ હવે અહીં માનવ ભક્ષી સિંહનો અંત શરૂ થયો છે. અહીં રાત્રિના સમયે સાવજે એક પાંચ વર્ષની બાળકીને ફાડી ખાધી હતી. બગસરા તાલુકાના કડાયા ગામે રાત્રીના સમયે આ ઘટના બની હતી. અહીંના મહેશભાઈ જોરુભાઈ ધાધલની વાડી રાજસ્થાનના સુકરમ નામના યુવાને ભાગવી વાવવા રાખી છે. તેનો પરિવાર આજે રાત્રીના સમયે વાડીમાં હતો અને પાંચ વર્ષની પુત્રી મકાનની સામે હતી તે સમયે શિકારની શોધમાં આવી ચડેલો સાવજ આ બાળકીને ગળામાંથી પકડી નાસી ગયો હતો.

આ અંગે ગામ લોકોને જાણ કરવામાં આવતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને બાળકની શોધખોળ ચલાવી હતી. એક કિમી દૂર સાવજ આ બાળકીને ફાડી ખાતો નજરે પડ્યો હતો. સાવજ તેને પગના ભાગેથી ખાઈ ગયો હતો. ગામલોકોએ સાવજના મોમાંથી આ બાળકીનો મૃતદેહ છોડાવ્યો હતો અને બાદમાં વનતંત્રને જાણ કરાઈ હતી. બનાવની જાણ થતા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અહીં સાવજ માનવભક્ષી બનતા રાત્રિના સમયે વાડીમાં કામ કરતા ખેત મજૂરોમાં ફફડાટ ફેલાયો છે. સાથે સાથે વન તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. ગામલોકોએ માનવભક્ષી બનેલા સાવજને વનતંત્ર તાબડતોબ પાંજરે પૂરે તેવી માંગ ઉઠાવી હતી. મોડી રાત્રે બાળકીના મૃતદેહને પીએમ માટે બગસરા દવાખાને ખસેડવામા તજવીજ હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...