શેરીમાં સિંહ પરિવાર:રાજુલાના કાતર ગામમાં શિકારની શોધમાં ચાર બચ્ચાં સાથે સિંહ-સિંહણ ઘૂસ્યા, CCTV વાઈરલ

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંહ પરિવારની લટાર CCTVમાં કેદ - Divya Bhaskar
સિંહ પરિવારની લટાર CCTVમાં કેદ
  • જંગલને અડીને આવેલા ગામડામાં સિંહના આંટાફેરા સામાન્ય બન્યા

અમરેલી જિલ્લામાં ગીર જંગલને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરા સામાન્ય બન્યા છે. રાજુલા તાલુકાના કાતર ગામમાં વધુ એક વાર સિંહ ઘૂસ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. આ વખતે એક બે સિંહ નહીં પણ આખો સિંહ પરિવાર જ ઘૂસ્યો હોવાના CCTV સામે આવ્યા છે.

ચાર બચ્ચાં સાથે સિંહ-સિંહણના આંટાફેરા
ચાર બચ્ચાં સાથે સિંહ-સિંહણના આંટાફેરા

શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી રહ્યા છે સિંહ
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર સિંહની લટાર જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતા સિંહ અવારનવાર રેઢિયાળ પશુઓના શિકાર કરતા પણ જોવા મળી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં સિંહની અવરજવર વધતા ગામના લોકોમાં પણ ડરનો માહોલ છવાયો છે.

કાતરમાં આખો સિંહ પરિવાર લટાર મારવા આવ્યો
સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં શિકારની શોધમાં આખો સિંહ પરિવાર આવતો હોતો નથી. પરંતુ, રાજુલા તાલુકાના કાતર ગામમાં ગતરાત્રિએ દોઢ વાગ્યાના અરસામાં સિંહ-સિંહણ તેના ચાર બચ્ચાં સાથે આવી પહોંચ્યા હતા. ગામની બજારમાં સિંહ પરિવારના આંટાફેરા દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા. થોડીવાર માટે ગામની બજારોમાં ફર્યા બાદ સિંહ પરિવાર ફરી જંગલ તરફ ચાલ્યો ગયો હતો.

સરોવડા ગામમાંથી રેસક્યૂ કરાયા હતા તે બચ્ચાંની તસવીર
સરોવડા ગામમાંથી રેસક્યૂ કરાયા હતા તે બચ્ચાંની તસવીર

થોડા દિવસ પહેલા જાફરાબાદના સરોવડામાં બે બચ્ચાં ભૂલા પડ્યા હતા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તુલાકના સરોવડા ગામમાં થોડા દિવસ પહેલા રાત્રિના સમયે બે બચ્ચા સાથે એક સિંહણ આવી પહોંચી હતી. બાદમાં બંને બચ્ચા ગામની એક જર્જરિત શાળામાં ભૂલા પડ્યા હતા. જ્યારે સિંહણ જંગલ તરફ ચાલી ગઈ હતી. જો કે, જે તે સમયે વનવિભાગની ટીમે બંને બચ્ચાનું સલામત રીતે રેસ્ક્યૂ કરી તેની માતા સાથે મિલન કરાવ્યું હતું.

વનવિભાગે સ્થાનિક ટ્રેકટર રાખવો જોઈએ- ગ્રામજન
અમરેલી જિલ્લાના જંગલને અડીને આવેલા ગામડાઓમાં સિંહના આંટાફેરા સામાન્ય બન્યા છે ત્યારે ગ્રામજનોની માગ છે કે, જે ગામડાઓમાં સિંહ આવે છે તે ગામડામાં વનવિભાગે એક સ્થાનિક ટ્રેકરની નિમણૂક કરવી જોઈએ. જેથી સતત લોકેશન મળતા રહે અને ગામમાં સિંહને ઘૂસતા અટકાવી શકાય.