અમરેલીમાં સિંહો અસુરક્ષિત?:સાવરકુંડલાના ગોરડકા નજીક અજાણ્યા વાહનની અડફેટે સિંહનું મોત, સિંહોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા

અમરેલી14 દિવસ પહેલા
  • સિંહ પરથી કોઈ મોટું વાહન પસાર થયું હોવાની પ્રાથમિક આશંકા
  • આ પહેલા પણ સિંહોના મોતની ઘણી ઘટનાઓ બની ચૂકી છે
  • અત્યાર સુધીમાં એક પણ ઘટનામાં વનવિભાગ અકસ્માત સર્જનાર સુધી પહોંચ્યું નથી

દેશની શાન સમા સિંહો ઉપર હવે અમરેલી જિલ્લામાં વધેલું જોખમ સતત વધતા બનાવોને લઈને સ્પષ્ટ થઈ રહ્યું છે. અમરેલી જિલ્લામાં આજે સોમવારે વહેલી સવારે સાવરકુંડલાના ગોરડકા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે સિંહનું મોત થતાં વનવિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સિંહ ઉપરથી કોઈ મોટું વાહન પસાર થયું હોવાની પ્રાથમિક આશંકા છે, જ્યારે હાલ વનવિભાગના RFO, ACF સહિતના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી. ઉપરાંત વનવિભાગ દ્વારા એનિમલ કેર સેન્ટરમાં પી.એમ માટે કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં સિંહોનો વસવાટ વધી રહ્યો છે જેમાં અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે. પરંતુ તેમની સુરક્ષા કરવામાં વનવિભાગ નિષ્ફળ જઈ રહ્યું હોવાથી સતત વધતા જતા સિંહોના મોતને લઈ સિંહ પ્રેમીઓમાં નારાજગીની સાથે ગણગણાટ શરૂ થયો છે. સિંહોના વાહનની હડફેટે આવીને થતી મોતની ઘટનાઓ તુલસી-શ્યામ ખાંભા રેન્જ, જાફરાબાદ તાલુકાના સ્ટેટ હાઇવે તેમજ રાજુલા-પીપાવાવ પોર્ટ ફોરવે હાઇવે ઉપર અનેક વખત બની ચુકી છે. આ તમામ ઘટનાઓ અનડિટેક્ટ્ડ છે. હજુ સુધીમાં એક પણ ઘટનામાં વનવિભાગ અકસ્માત સર્જનાર વાહન ચાલક સુધી પહોંચ્યું નથી, જેને લઈ વનવિભાગની કામગીરી સામે સવાલો પણ ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...