સાવજોની લટાર:અમરેલીમાં પીપાવાવ પોર્ટ નજીક સિંહ પરિવાર પહોંચ્યો, સિંહણ, સિંહ, સિંહબાળ શિકારની શોધમા આવ્યા

અમરેલી7 મહિનો પહેલા
  • પીપાવાવ પોર્ટનો સિંહ પરિવારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો

અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો થયો છે. જંગલનો રાજા અનેકવાર રહેણાક વિસ્તારમાં આવી જતો હોવાના વીડિયો સામે આવતા રહ્યાં છે. ત્યારે ગઇકાલે પીપાવાવ પોર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં સિંહ પરિવાર પીપાવાવ પોર્ટ જેટીની આસપાસ ફરતો જોવા મળ્યો છે. નોંધનીય છેકે, આ રીતે જાહેર માર્ગ પર કે જ્યાં વાહનોની અવર-જવર સતત રહેતી હોય છે અને નજીક જ દરિયો હોવાથી ગુજરાતના ઘરેણા સમા સિંહોનું જીવન જોખમમા મુકાઈ શકે છે.

શિકારની શોધમાં સિંહ પરિવાર આવ્યો હોવાની આશંકા
પીપાવાવ પોર્ટ જેટી રોડ પર સિંહ પરિવાર ગઇકાલે જોવા મળ્યો હતો. સિંહ, સિંહણ, સિંહબાળ એક સાથે આ રીતે ભાગ્યે જ જોવા મળતા હોય છે. પીપાવાવ પોર્ટ પર આ રીતે સિંહ પરિવારની શાહી સવારી નીકળી હતી તેને લઇને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છેકે આ સિંહો શિકારની શોધમાં જંગલથી બહાર આ વિસ્તારમાં આવી પહોંચ્યા છે.

પીપાવાવ કોસ્ટલ બેલ્ટ પર સિંહોનો દબદબો
સૌરાષ્ટ્રભરમાં ગીરના જંગલ બાદ અમરેલી જિલ્લાના રાજુલા, પીપાવાવ, જાફરાબાદ વિસ્તારમાં સિંહો સક્રિય થયા છે. આ વિસ્તાર સિંહોને વધુ પસંદ પડ્યો છે. આ વિસ્તાર દરિયાકાંઠાની નજીક હોવાથી ત્યાં ઠંડક રહે છે જેથી સિંહો અહીં વધુ વસવાટ કરે છે. જેના કારણે અહીં સિંહોની સુરક્ષામાં વધારો કરવાની જરૂર છે.

સિંહો અમારા વિસ્તારનું ઘરેણું, સુરક્ષા સરકાર વધારે તો સારૂઃપૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન
​​​​​​​અમરેલી જિલ્લાના પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લેહરીએ જણાવ્યુ છેકે, આ વિસ્તારમાં અમને ગૌરવ છે કે અહીં સિંહોનો દબદબો છે. સિંહોની સંખ્યા ખૂબ વધી રહી છે, પરંતુ તેમની સુરક્ષા જેવી જોઈએ તેવી નથી. સ્ટાફ પણ નથી. વાહનો અને સાધનો પણ પૂરતા નથી. પીપાવાવ વિસ્તારમાં તો સિંહો પર ખૂબ મોટું જોખમ છે. આજે નહિ વાંરવાર આવી ચડે છે અને ગમે ત્યા ઘુસી જાય છે. તેની માટે ખોરાકની વ્યવસ્થા કરવાની જરૂર છે. ભૂખ્યા થાય એટલે શિકાર માટે ગમે ત્યારે ભટકી રહ્યા છે.

ભૂતકાળમા વર્ષ 2015માં જાફરાબાદ દરિયામાં સિંહ ખાબક્યો હતો
​​​​​​​ભૂતકાળમાં વર્ષ 2015 માં જાફરાબાદ દરિયા કાંઠે સિંહ આવી ચડ્યો અને આખરે દરિયામાં ખાબકતા કલાકો સુધી વનવિભાગ દ્વારા હેમખેમ રીતે રેસ્ક્યુ ઓપરેશન કરી દરિયામાંથી બહાર કાઢ્યો હતો. તેવી જ રીતે ફરી ગમે ત્યારે ઘટનાનુ પુનરાવર્તન ન થાય તેની પણ રાજય સરકાર ના વનવિભાગ એ તકેદારી લેવાની જરૂર છે. જોકે અહીં આ પીપાવાવ આસપાસ સિંહો રોડ ક્રોસ કરવાની ઘટના વાંરવાર સામે આવે છે પરંતુ આ જોખમી જેટી રોડ પર સિંહો આવી જવાથી મોટો ખતરો ટોળાય રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...