તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંહો પર સંકટ:બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે બીમારીને કારણે સિંહનું મોત, ખાંભામાં પણ 4 સિંહનાં મોતના અહેવાલ, વન વિભાગ દોડતો થયો

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગ દ્વારા જાફરાબાદ રેન્જમાં સિંહોની તપાસ કરવા આદેશ અપાયા
  • એશિયાટિક સિંહો પર ફરી ભેદી વાયરસનું સંકટ આવ્યું છે

અમરેલી જિલ્લામાં ગીર રેન્જ અને બૃહદ ગીર રેન્જ વિસ્તારમાં સિંહોનાં શંકાસ્પદ બીમારીને કારણે મોત થયાંનું સામે આવતાં વન વિભાગમાં દોડધામ મચી રહી છે. જાફરાબાદ તાલુકામાં આવેલા માઇન્સ વિસ્તારમાં 5થી 9 વર્ષની સિંહણ બીમાર જોવા મળતાં વન વિભાગ દ્વારા એનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. ત્યાર બાદ વન વિભાગે બાબરકોટમાં સારવાર અપાઇ હતી અને સારવાર દરમિયાના તેનું મોત થયું છે. વન વિભાગે પી.એમ કર્યું, પરંતુ બીમારીને કારણે મોત થયાનું સામે આવ્યુ છે. ખાંભા-શેત્રુંજીમાં પણ છેલ્લા 15 દિવસમાં 4 સિંહનાં મોતના અહેવાલ છે. સિંહનાં મોતના અહેવાલથી વન વિભાગ દોડતો થયો છે.

સિંહણનું પી.એમ કરનાર ડોકટર શેત્રુંજી ડિવિઝનના છે. તેમને પણ આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓના આદેશથી મૌન સેવ્યું છે. જ્યારે ફરી બેબસિયા નામનો વાયરસ સક્રિય થયો હોવાની વાત સામે આવતાં ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દે માત્ર તપાસ કરવાની પુષ્ટિ આપી રહ્યા છે. સિંહોનાં મોત થવાનો સિલસિલો ફરી શરૂ થયો છે. ખાંભા વિસ્તારમાં પણ સિંહોનાં મોત થઇ રહ્યાં છે. સમગ્ર વિસ્તારમાં સિંહોનાં મોતથી સિંહપ્રેમીઓ અને પર્યાવરણપ્રેમીઓ દ્વારા પણ ચિંતા વ્યક્ત કરાઇ છે. જાફરાબાદ રેન્જમાં 1 સિંહના મોત બાદ ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. ફરી સિંહોની ચકાસણી કરવા માટે સૂચના આપી દેવાઇ છે. સિંહ બીમાર છે કે કેમ એની તમામ મૂવમેન્ટ ચકાસવા માટે સૂચના આપવામાં આવી છે. કયો વાયરસ છે એ ખૂલીને બોલવા વન વિભાગના અધિકારીઓ તૈયાર નથી. સમગ્ર ઘટનાને લઈ ભારે ચિંતા જોવા મળી રહી છે.

શેત્રુંજી ડિવિઝનના પી.એમ કરનાર ડોકટરનું પણ મીડિયા સમક્ષ મોન..?
પાલિતાણા શેત્રુંજી ડિવિઝનના ડોકટર દ્વારા જાફરાબાદ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સિંહનું સારવાર દરમિયાન મોત થયું એ સિંહનું પી.એમ કરાયું છે અને બીમારી સામે આવી છે. સમગ્ર ઘટનાથી વાકેફ હોવા છતાં તેમના દ્વારા મીડિયા સામે મૌન સેવ્યું છે, જોકે સ્વાભાવિક છે ઉચ્ચ અધિકારીઓની કડક સૂચનાને કારણે સાચી માહિતી આપી શકતા નથી ત્યારે તેમની સામે પણ સવાલો ઊઠી રહ્યા છે.

બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં સિંહણના મોત અંગે કઇ બીમારી થઈ એની સ્પષ્ટતા ના કરી..!
દિવ્યભાસ્કર દ્વારા જૂનાગઢ દુષ્યંત વસાવડાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે વાયરસ કોઈ પ્રકારનો નથી. જ્યારે સિંહોમાં બીમારી તો હોયને, આ પ્રકારનો જવાબ આપ્યો હતો, પરંતુ બાબરકોટ સિંહણનું મોત કઈ બીમારીને કારણે થયું એ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી.

ગીર જંગલ અને બૃહદ ગીર વિસ્તારમાં વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો
સિંહોનાં મોત અંગે કેવા પ્રકારનો વાયરસ છે, કઇ બીમારી છે એને લઈ ચિંતા વચ્ચે તપાસ કરી રહ્યા છે, જોકે સિંહોમાં કયો રોગ છે એ પણ ખૂલીને કહેવા કોઈ અધિકારી તૈયાર નથી. ગોળ ગોળ વાતો કહી રહ્યા છે.

તપાસ કરવા માટે કહી દીધું છેઃ DCF
દિવ્યભાસ્કર દ્વારા પાલિતાણા શેત્રુંજી ડિવિઝનનાં DCF નિશા રાજનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે વાયરસ નથી, પરંતુ બધા સિંહોની તપાસ કરવા માટે સૂચના આપી દીધી છે.

સિંહોનાં મોત થાય એ ચિંતાનો વિષય છેઃ પૂર્વ વાઈલ્ડલાઈફ વોર્ડન
અમરેલી જિલ્લા પૂર્વ વાઈલ્ડલાઈફ વોર્ડના વિપુલ લહેરીએ જણાવ્યું હતું કે હા, જાફરાબાદ, ખાંભામાં સિંહનાં મોત તયાં છે. એ ચિંતાનો વિષય છે. સિંહોને આપણે કેમ સુરક્ષિત રાખી શકતા નથી. જ્યારે હોય ત્યારે મોત મોતના જ સમાચાર આવે છે, કોઈ વાયરસનો પણ વન વિભાગમાં ગણગણાટ ચાલે છે. ખરેખર તેની ઊંડાણપૂર્વક તપાસ સરકાર દ્વારા કરવી જોઈએ. ખાલી છુપાવીને કોઈ ફાયદો નથી. આ સિંહ આપણું ઘરેણું છે એનું મોત ખૂબ દુઃખદ બાબત છે.

ખાંભા અને શેત્રુંજી વિસ્તારમાં 15 દિવસમાં 4 જેટલા સિંહોનાં મોત
ખાંભા-ગઢિયા સહિત આસપાસ વિસ્તાર અને શેત્રુંજી ડિવિઝન સહિત વિસ્તારમાં 15 દિવસમાં 4 જેટલા સિંહોનાં મોત થયાં છે ત્યારે ફરી એશિયાટિક સિંહો પર સંકટ તોળાઈ રહ્યું છે.

જાફરાબાદના નાગેશ્રી નજીક દીપડાનો મૃતદેહ મળ્યો
જાફરાબાદ તાલુકાના મીઠાપુર નાગેશ્રી વિસ્તારમાં 1 વર્ષના દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે વન વિભાગ દ્વારા પાણીના પ્રવાહમાં તણાયો હોવાનું કારણ જાહેર કર્યું છે, જ્યારે તાઉતે વાવાઝોડાને દોઢ માસ ઉપર સમય થયો, શું અત્યાર સુધી મૃતદેહ ત્યાં જ પડ્યો હશે? અત્યારે કોઈ મોટું પાણીનું પૂર તો આવ્યું નથી. વરસાદ પણ એટલો બધો આવ્યો નથી, ત્યારે આ દીપડાના મોત અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે.

વર્ષ 2018માં 25 કરતાં વધુ સિંહોનાં મોત ગીર પૂર્વ ધારીમાં થયાં હતાં
વર્ષ 2018ની સાલમાં બેબસિયા નામના વાયરસને કારણે અનેક વનરાજાઓએ જીવ ગુમાવ્યા હતા. આ રોગ ધારી ગીર પૂર્વ જંગલ વિસ્તારમાં આવ્યો હતો. ભૂતકાળમાં એને કારણે 25થી વધુ સિંહોનાં ટપોટપ મોત થયાં હતાં. ત્યાર બાદ અનેક સિંહોના રેસ્ક્યૂ કરી જૂનાગઢ પણ લઈ જવાયા હતા. ઉચ્ચ અધિકારીઓની ટીમો પણ આ વિસ્તારમાં આવી હતી અને તપાસનો ધમધમાટ ચાલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...