તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:મોંઘવારી મુદ્દે વિપક્ષી નેતાએ અમરેલીમાં સાઈકલ રેલી કાઢી, અટકાયત કરાતા ધાનાણીના પોલીસ સ્ટેશનમાં ધરણા

અમરેલીએક મહિનો પહેલા
  • કોંગ્રેસ દ્વારા સાઇકલ રેલી યોજી ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો પોલીસે વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી

મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે અમરેલી શહેરમાં ગુજરાતના વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકરો દ્વારા સાઇકલ રેલી યોજી ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન પોલીસે વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. અટકાયત કરવામાં આવતા પરેશ ધાનાણીએ પોલીસ સ્ટેશનમાં જ ધરણા શરૂ કરી દીધા હતા.

સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા
મોંઘવારીના વિરોધમાં અમરેલીમાં પરેશ ધાનાણીએ સાઇકલ યાત્રા કાઢી અનાજ,ગેસના બાટલા,પેટ્રોલ,ડીઝલ,તેલ સહિતમાં વધતા જતા ભાવ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો. સાઇકલ રેલીમાં શહેર કોંગ્રેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં એકઠાં થયાં હતા અને શહેરના મુખ્ય માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઇને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

શું કહે છે વિપક્ષ નેતા પરેશ ધાનાણી
વિરોધ પ્રદર્શન અંગે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપ 7 વર્ષમાં નિષ્ફળ ગયું છે, જેના કારણે મોંઘવારી વધી છે. આજે આખો દેશ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. સત્તામાં બેસેલા લોકો ભાન ભૂલ્યા છે. સરકાર ઉત્સવોમાં મસ્ત છે અને પ્રજા પરેશાન છે. જનતાના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ દ્વારા આજે સાઇકલ રેલી કાઢવામાં આવી છે.

બાબરા કોંગ્રેસ દ્વારા સાઇકલ યાત્રા કાઢી
બાબરા શહેરમાં કોંગ્રેસ દ્વારા વધતા જતા ભાવ વધારા અને મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું છે. ધારાસભ્ય વિરજી ઠુમ્મર દ્વારા સાઇકલ રેલી સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું છે. સમગ્ર જિલ્લામાં કોંગ્રેસ સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...