ઉત્તરાયણ પર્વ:અમરેલીની બજારમાં પતંગના સ્ટોલ શરૂ, ગત વર્ષ કરતાં ઓણસાલ ભાવમાં વધારો

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજુલામાં ચાઈનીઝ દોરીનું વેંચાણ નહીં કરવા વેપારીઓનો નિર્ણય

ઉત્તરાયણના પર્વ નજીક આવી રહ્યો છે. જેની સાથે જ અમરેલીની બજારોમાં પતંગના સ્ટોલ ખુલ્લા મુકાયા છે. જુદા જુદા પ્રકારની પતંગ અને માંઝાઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પણ ગત વર્ષ કરતા ઓણસાલ પતંગના ભાવમાં 20 ટકા વધારો જોવા મળે છે. ઉપરાંત રાજુલા પંથકમાં ચાઈનીઝ દોરીનું વેંચાણ નહી કરવા વેપારીઓએ નિર્ણય લીધો છે. અમરેલીના રાજકમલ ચોક પાસે પતંગનો વેપાર કરતા ઈમરાનભાઈ દેરડીવાલાએ જણાવ્યું હતું કે ગત વર્ષે જે પતંગના રૂપિયા 20 હતા. તે પતંગના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો થયો છે. અત્યારે અમરેલીમાં રૂપિયા 25 થી 60 સુધી પતંગનું વેંચાણ થઈ રહ્યું છે.

પણ ઓણસાલ માંઝાના ભાવમાં કોઈ ભાવ વધારો થયો નથી. અત્યારે સફેદ, પીક, કેસરી અને આસમાની એમ ચાર પ્રકારના માંઝાનું વેંચાણ થઈ રહ્યું છે.બીજી તરફ રાજુલા શહેરમાં ઉત્તરાયણ પ‌ર્વ પર જુદા જુદા વિસ્તારમાં પતંગના 20 જેટલા સ્ટોલ ખુલ્લા મુકાયા છે.

અહી પતંગના વેપારી દેવશીભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું કે શહેરમાં આ વખત ચાઈનીઝ દોરીનું વેંચાણ નહી કરવાનો વેપારીઓએ નિર્ણય કર્યો છે. જો કોઈ વેપારી છાને ખુણે ચાઈનીઝ દોરીનું વેંચાણ કરશે. તો પોલીસને જાણ કરાશે. અત્યારે રાજુલાની બજારમાં પતંગ અને માંઝાની ખરીદી શરૂ થઈ ગય છે. આગામી દિવસોમાં ખરીદી વધે તેવી વેપારીઓને આશા છે.

અમરેલીમાં કેટલા મિટરના માંઝાનું વેંચાણ?
ઉત્તરાયણના પ‌ર્વ પર બાળકોથી માંડી લોકો પણ ચગાવતા હોય છે.આકાશમાં કાપો પતંગ જેવો માહોલ સર્જાશે. અત્યારે અમરેલીની બજારમાં 900, 2500 અને 5000 મિટરના માંઝાનું વેંચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને લોકો 2500 અને 5000 મિટરના માંઝાની વધુ પસંદગી કરતા હોય છે.

સપ્તાહ બાદ ખરીદીમાં વધારો થશે : વેપારી
અમરેલીના પતંગના વેપારીએ જણાવ્યું હતું કે અત્યારે તો સ્ટોલ તૈયાર કર્યા છે. માંઝાને જુદા જુદા કલર આપવામાં આવે છે. અત્યારે ખરીદી નહીવત જોવા મળે છે. પણ એક સપ્તાહ પછી પતંગની ખરીદીમાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...