દિવાળીની અનોખી પરંપરા:અમરેલીના સાવરકુંડલામાં જામ્યું ઈંગોરિયા યુદ્ધ, લોકો એકબીજા પર સળગતાં ઈંગોરિયા ફેંકી કરે છે ઉજવણી

અમરેલીએક મહિનો પહેલા

સામાન્ય રીતે દિવાળીના પર્વ પર લોકો રાત્રિના ફટાકડા ફોડી પ્રકાશના પર્વની ઉજવણી કરે છે. પરંતુ, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લાં 70 વર્ષથી દિવાળીની જરા હટકે ઉજવણી કરવામાં આવે છે. દિવાળીની રાત પડતાં જ સાવરકુંડલાના અલગ અલગ ત્રણ વિસ્તારમાં યુવાનો એકઠા થાય છે અને સામસામે બે ગ્રુપમાં વહેંચાઈ જઈ એકબીજા પર સળગતાં ઈંગોરિયા ફેંકે છે. સાવરકુંડલામાં દિવાળીની રાત્રીએ ખેલાયેલા આ યુદ્ધને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળ્યા હતા. અકસ્માત કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો.

70 વર્ષથી ચાલી આવે છે ઈંગોરિયા યુદ્ધની પરંપરા
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભૂતકાળમાં સાવર અને કુંડલા ગામના લોકો વચ્ચે યુદ્ધ ખેલાતું હતું. આ પરંપરા 70 વર્ષથી ચાલી આવે છે. જો કે, હવે સાવરકુંડલાના નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર અને દેવળા ગેઈટ વિસ્તારમાં ઈંગોરિયા યુદ્ધ ખેલાય છે. આ વિસ્તારમાં બે યુવાનો સામસામે ગ્રુપમાં વહેંચાઈ જાય છે અને એકબીજા પર સળગતાં ઈંગોરિયા ફેંકે છે.

ઈંગોરિયા યુદ્ધ નિહાળવા લોકો દૂર દૂરથી આવે છે
દિવાળીની રાત્રે સાવરકુંડલામાં ખેલાતા ઈંગોરિયા યુદ્ધનું લોકોમાં અનોખું આકર્ષણ રહ્યું છે. આ યુદ્ધ નિહાળવા માટે લોકો અમદાવાદ,મુંબઈ, કોલકાતા, રાજકોટ જેવાં મોટા શહેરમાંથી આવે છે. આ એક નિર્દોષ રમત છે. પહેલાં ઈંગોરિયાની રમત રમાતી હતી પરંતુ સમય જતાં હવે કોકડાએ સ્થાન લીધું છે. સાવરકુંડલાના યુવાનો ઈંગોરિયા અને કોકડા એકબીજા ઉપર ફેંકે છે. આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતું નથી.

પોલીસ તંત્રના પેટ્રોલિંગ વચ્ચે ઉત્સાહ સાથે ઈંગોરિયા યુદ્ધ જામે છે
આ ઈંગોરિયા યુદ્ધમાં કોઈ અણબનાવ ન બને તે માટે DYSP હરેશ વોરા સાવરકુંડલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સાથે નગરપાલિકાનું ફાયર ફાઇટર પણ રાખવામાં આવ્યું હતું. જરૂર પડે તો પાણીનો મારો પણ ચલાવી શકાય.

કઈ રીતે બને છે ઈંગોરિયા?
ઈંગોરિયા શું છે ? એ પહેલાં સમજી લઈએ તો ઈંગોરિયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. તેના ચીકુ જેવા ફળને ઈંગોરિયું કહેવામાં આવે છે. દિવાળી પહેલાં એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરિયા શોધી વૃક્ષ પરથી તોડી એને સૂકવી દે છે. ત્યાર બાદ ઉપરથી છાલને છરી વડે કાઢી એમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે. ત્યાર બાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને એને સૂકવવામાં આવે છે. ત્યાર બાદ ઈંગોરિયું તૈયાર થઈ જાય. દિવાળીની રાત્રિએ આવાં હજારો તૈયાર થયેલાં ઈંગોરિયાના થેલા ભરી લડાયકો આગનું યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે.

ઈંગોરિયાનું સ્થાન કોકડાએ લીધું
ઈંગોરિયાનાં વૃક્ષ વધારે ડુંગરાળ વિસ્તારમાં જોવા મળે છે. એના વૃક્ષમાંથી ઈંગોરિયાને લેવામાં આવે છે. જોકે ગત વર્ષે વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થતાં ઈંગોરિયાં ઓછાં મળી રહ્યાં છે. જેના કારણે ઈંગોરીયા રસિયાઓ દ્વારા હવે દોરાની કોકડી લેવામાં આવે છે તેમજ કોલસો, ગંધક સહિત સામગ્રી ભરી કોકડાં તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...