શિક્ષકોની મહેનત રંગ લાવી:અમરેલીના જાળીયાની જે સરકારી પ્રાથમિક શાળાને 2011-12માં ગુણોત્સવમાં D ગ્રેડ મળ્યો હતો તેને દસ વર્ષ બાદ A+ ગ્રેડ મળ્યો

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીના જાળીયાની સરકારી પ્રાથમિક શાળા 'સ્માર્ટ સ્કૂલ' બની
  • શાળાના ઉત્સાહી શિક્ષકોએ સુધારા માટે સમગ્રલક્ષી અભિગમ અપનાવ્યો

અમરેલી જિલ્લાના જાળીયા ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ છેલ્લા દસ વર્ષ દરમિયાન કરેલી મહેનત રંગ લાવી છે. વર્ષ 2011-12માં શાળાને ગુણોત્સવમાં D ગ્રેડ મળ્યો હતો. આજ શાળાને દસ વર્ષ બાદ A+ ગ્રેડ મેળવવામાં સફળ રહી છે. શાળાના શિક્ષકોએ સુધારા માટે અપનાવેલા સમગ્રલક્ષી અભિગમના કારણે આ શાળા આજે સ્માર્ટ સ્કૂલ બની ચૂકી છે.

છેલ્લા દસ વર્ષમાં શાળઆની તસવીર બદલાઈ ગઈ
કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ અમલી બનાવી છે, ત્યારે સૌના સાથ, સહકારથી શિક્ષણ ક્ષેત્રે બદલાવ આવી રહ્યો છે. વર્ષ 2011-12માં ગુણોત્સવનું આયોજન સરકારે શાળામાં સર્વગ્રાહી મૂલ્યાંકનના ઉમદા ઉદ્દેશ્ય સાથે કર્યું હતું. આ સમયે જાળીયાની પ્રાથમિક શાળાના સર્વગ્રાહી મૂલ્યાંકન રિપોર્ડ કાર્ડમાં D ગ્રેડ હતો. આ રિપોર્ટ કાર્ડ જાળીયાની પ્રાથમિક શાળા માટે એક ઉમદા તક સાબિત થયું! ત્યારબાદ ધીમે - ધીમે શાળામાં સુધારા થતાં રહ્યાં અને શાળાના શિક્ષણમાં હકારાત્મક પરિવર્તન આવવા લાગ્યું...! વર્ષ 2014-15માં જાળીયાની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે એક ઉત્સાહી યુવા આશિષભાઈ મહેતા આચાર્ય તરીકે નિમણુક પામ્યા અને શાળાના શિક્ષણમાં સમગ્રલક્ષી અભિગમ સાથે ધરખમ ફેરફારોની શરુઆત થઈ. 125 વર્ષ જૂની પ્રાથમિક શાળામાં પટાંગણથી લઈ સ્માર્ટ ક્લાસ સુધી સુધાર પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં આજે શાળાની તસવીર સંપૂર્ણ હકારાત્મક રીતે બદલાઈ ચૂકી છે.

શાળાએ પોતાના શિક્ષણની ગુણવત્તામાં ઉત્તરોતર સુધારો કર્યો
વર્ષ 2011-12ગુણોત્સવ મુલ્યાંકનમાં D ગ્રેડથી લઈ C ગ્રેડ અને ત્યારપછીના ગુણોત્સવમાં B ગ્રેડ. વર્ષ 2015-16થી સતત વર્ષ 2021-22 ગુણોત્સવ 2.0 રિપોર્ટ કાર્ડમાં A+ ગ્રેડ સુધીની લાંબી પરિવર્તનલક્ષી સુધારાત્મક પ્રક્રિયા સતત ચાલતી રહી અને હજુ પણ ચાલુ છે! શિક્ષકો ધારે તો શું ન કરી શકે!? એ આ સુધાર પ્રક્રિયા પરથી જાણી શકાય છે,સમજી શકાય છે.

ખાનગી શાળાને ટક્કર મારે તેવી સરકારી શાળામાં સુવિધાઓ
આજે જાળીયાની પ્રાથમિક શાળામાં ડિજિટલ બોર્ડ સાથે ચાલતા સ્માર્ટ ક્લાસ છે, 20 જેટલા કોમ્પ્યુટરની એ.સી. લેબ છે. શાળાના દરેક ક્લાસમાં લાયબ્રેરી તો છે જ સાથે શાળાના બાળકો વાંચન કરી શકે એ માટે પણ અલગ લાયબ્રેરી છે. ડિજિટલ ક્લાસની સાથે 3D થિયેટર પણ છે! વિજ્ઞાનના કોન્સેપ્ટ શાળાના બાળકો સાયન્સ લેબમાં પ્રેક્ટિકલ સાથે ભણે છે, શીખે છે. અરે, અહીંની પ્રાથમિક શાળામાં વરસાદી પાણીના સંગ્રહ માટે 22 હજાર લીટરનો ભૂગર્ભ જળ ટાંકો પણ છે! છે ને કમાલ! જળસિંચનમાં પણ શાળા પાછળ નથી! અને આ શાળામાં ભણી ચૂકેલા બાળકો પ્રકૃતિ પ્રત્યે કેટલા જવાબદાર નાગરિક બની શકશે એ સમજી શકાય તેમ છે. આ શાળામાં વૃક્ષોનું પ્રમાણ એટલું છે કે, આ પટાંગણની ઓળખ જ ગ્રીન કેમ્પસ તરીકેની છે! ટેક્નોલોજીમાં પણ શાળાનો એક ક્લાસ છે! સી.સી.ટી.વી. કેમેરા સાથેની મોનિટરિંગ સિસ્ટમની સાથે બોયોમેટ્રીક હાજરીની સિસ્ટમ પણ છે. જાળીયાની પ્રાથમિક શાળામાં આઉટડોર ગેમ્સની સાથે ઈનડોર ગેમ્સનું એક અલાયદુ સ્પોર્ટ કલ્ચર છે. ચેસ જેવી આધુનિક ઈનડોર ગેમ્સમાં શાળાના બાળકો રસપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને જિલ્લા કક્ષા સુધી સ્પર્ધામાં આગળ રહ્યા છે.

શાળા પાસે પોતાની માલિકીની 10 વિઘા જમીન છે
શાળા પાસે પોતાનો કોમ્યુનિટી હોલ છે, જ્યાં પ્રોજેક્ટર સાથે શાળાના વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. સ્વચ્છતાથી લઈ પીવાના શુદ્ધ પાણીની ઉમદા વ્યવસ્થા ધરાવતા જાળીયાની પ્રાથમિક શાળા પાસે ગામની સીમમાં પોતાની 10 વીઘા જમીન છે! જેમાં કપાસ જેવા રોકડીયા પાકોનું વાવેતર કરવામાં આવે છે, શાળાની ખેતીની વાર્ષિક આવકમાંથી દર વર્ષે વર્ષમાં બે વાર શાળાના બાળકોને ઇનામો આપવામાં આવે છે અને નોટબુકનું વિતરણ પણ કરવામાં આવે છે! છે ને કમાલની શાળા! આ જમીન શાળાને ગાયકવાડી શાસન સમયે શાળાના નિભાવખર્ચ માટે સોંપવામાં આવી હતી, જેની માલિકી આજે જાળીયા પ્રાથમિક શાળાની પોતાની છે. એક સમય હતો જાળીયા ગામના વિદ્યાર્થીઓ બહારગામ પ્રાથમિક શિક્ષણ અર્થે જતાં! સુધારાત્મક પરિવર્તનનો પવન એવો ફૂંકાયો કે, આજે બહારગામથી આવતાં ૨૦ જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષા અર્થે જાળીયાની પ્રાથમિક શાળામાં શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છે!

શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે, ઈનોવેશનને લઈ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. કેન્દ્નની નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ સ્કિમ (NMMS) અંતર્ગત દરેક જિલ્લામાંથી માત્ર 120 વિદ્યાર્થીઓ જ સિલેક્ટ થાય છે. આ સ્કોલરશીપ પરીક્ષા માત્ર ધો.8ના વિદ્યાર્થીઓ જ આપી શકે. છેલ્લા પાંચ વર્ષમાં અત્યાર સુધીમાં અઘરી ગણાતી સ્કોલરશીપ પરીક્ષા સ્કીમ હેઠળ જાળીયા પ્રાથમિક શાળાના 17 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે! આ છે શાળાના શિક્ષકોની કમાલ, જેમણે શાળાના વિદ્યાર્થીઓ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે અને ગુણવત્તાલક્ષી શિક્ષા આપી છે.

જાળીયા પ્રાથમિક શાળાના આચાર્ય મહેતા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, શાળામાં ભવિષ્યમાં પણ ઉત્સાહી શિક્ષકોના પ્રયત્નોથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ શાળામાંથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધે, NMMS સ્કોલરશીપ સ્કીમ હેઠળ વધુમાં વધુ વિદ્યાર્થીઓ પસંદગી મેળવે ઉપરાંત તાઉ'તે વાવાઝોડામાં નુકશાન થયેલ વૃક્ષોનું રિસ્ટોરેશન થાય તેવા પ્રયત્નો શાળા કક્ષાએથી સતત થતાં રહેશે. અમે સૌ સ્ટાફ અને શિક્ષકો એક ટીમ બનીને શાળામાં સતત સુધારા કરતાં રહ્યા છીએ. આ શાળાની પ્રગતિમાં અને ઉન્નતિમાં સૌ શિક્ષકો, સ્ટાફ, ગામના લોકો અને રાજ્ય સરકારનો સૌ કોઈનો ઉમદા ફાળો રહ્યો છે એટલે જ સૌના સાથ, સહકાર અને સરકારના પ્રયત્નો થકી ઉપરાંત લોકભાગીદારીથી વર્ષ 2021-22 ગુણોત્સવ-2.0માં ભૌતિક અને શૈક્ષણિક મૂલ્યાંકનમાં અમે જિલ્લાકક્ષાએ નંબર વન રેન્ક બનાવી રાખવામાં સફળ રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...