અમરેલી તાલુકાના જાળીયા ગામના એક તબીબે કોરેાના કાળમા થયેલી ઓકિસજનની અછતમાથી પ્રેરણા લઇ છેલ્લા દોઢ વર્ષમા અહીની બે એકર જમીનમા 800 જેટલા વૃક્ષો વાવી એક જંગલ તૈયાર કર્યુ છે. આ કામ અમરેલીના જાળીયા ગામે રહેતા ડો.હિમાંશુ કિલાવતે કર્યુ છે. મહામારીના સમયમા ઓકિસજન માટે લોકો વલખતા હતા. ત્યારે તેમણે ગ્લોબલ વોર્મિંગ સામે લડતના ઉદેશથી આ જંગલ તૈયાર કરવા સંકલ્પ કર્યો હતો. અને તેમણે બે એકર જેટલી જમીનમા જુદાજુદા પ્રકારના 800 જેટલા વૃક્ષોનુ વાવેતર કર્યુ હતુ. આ વૃક્ષોમા 250 જેટલા વૃક્ષો અલગ અલગ પ્રજાતિના છે. વૃક્ષોનો ઝડપથી ઉછેર થાય તે માટે પણ તેઓ કાળજી લઇ રહ્યાં છે.
તેમણે જે વૃક્ષો વાવ્યા છે તેમા ફળ ફુલ અને ઔષધિય છોડ ઉપરાંત લુપ્ત થતા જતા વૃક્ષોનો પણ સમાવેશ થાય છે. અહી સફરજનના વૃક્ષ ઉછેરવામા તેમને નિષ્ફળતા પણ મળી હતી. પરંતુ કેટલાક વૃક્ષો ઝડપથી મોટા થઇ ગયા છે. જયારે કેટલાક હજુ છોડ જેવી સ્થિતિમા છે. તેઓ અહી વૃક્ષ ઉછેર માટે પાણીનો વ્યય ન થાય તેનુ ધ્યાન રાખી ટપક પધ્ધતિનો ઉપયોગ પણ કરી રહ્યાં છે. વનવિભાગના અધિકારીઓએ પણ તેમના આ સંકલ્પને બિરદાવ્યો હતો.
મીયાવાંકી જંગલની જેમ કર્યો ઉછેર
મીયાવાંકી જંગલની પધ્ધતિના જનક જાપાનના વનસ્પતિ શાસ્ત્રી અકીરા મીયાવાંકી છે. તેમણે જંગલના જતન માટે ગીચોગીચ વૃક્ષો વાવવાની હિમાયત કરી હતી. જેને પગલે ડો.હિમાંશુએ મીયાવાંકીની થીમ પર આ જંગલ તૈયાર કર્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.