તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌથી મોટું પેકેજ:જાફરાબાદના વાવાઝોડા પીડિત માછીમારોના ખાતામાં રૂા. 10.20 કરોડ જમા થયા

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરિયામાં રેતીનો ભરાવો થતાં ડ્રેઝિંગના અભાવે માછીમારોની આગામી સિઝન મુશ્કેલ રહેશે

જાફરાબાદ નવાબંદર અને રાજપરાના માછીમારોને તાજેતરના વાવાઝોડામાં ખૂબ મોટી આર્થિક નુકશાની સહન કરવી પડી હતી. રાજ્ય સરકાર દ્વારા માછીમારો માટે પેકેજ પણ જાહેર કરાયું હતું. જેને પગલે આ વિસ્તારના માછીમારોના ખાતામાં રૂપિયા 10.20 કરોડની રકમ જમા થઈ છે.જાફરાબાદ પંથકના માછીમાર ઉદ્યોગને વાવાઝોડાના કારણે મરણતોલ ફટકો પડયો છે.જાફરાબાદ ઉપરાંત ધારાબંદર શિયાળબેટ રાજપરા સિમર વિગેરે બંદરોની 1000 જેટલી બોટો જાફરાબાદ ખાતે કાર્યરત છે. આ માછીમારો સરકારને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ રળી આપે છે.

કારણ કે અહીં મળતી મચ્છીમાંથી ઘણી મચ્છીની વિદેશમાં પણ નીકાસ થાય છે. આ ઉપરાંત માછલીનો કેટલોક જથ્થો વેરાવળમાં પાવડર બનાવવા મોકલાય છે. આ બોટોના કારણે 15000 માછીમાર પરિવારોની રોજીરોટી ચાલે છે. પરંતુ વાવાઝોડાએ આ ઉદ્યોગને ભાંગી નાખ્યો છે. ખાસ કરીને બોટોમાં મોટી માત્રામાં નુકસાન થયું હતું. સ્થાનિક આગેવાનો દ્વારા સરકારમાં થયેલી વારંવાર રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા માછીમારો માટે પેકેજ પણ જાહેર કરાયું હતું.

જેને પગલે હવે સરકાર દ્વારા માછીમારોના ખાતામાં રૂપિયા 10.20 કરોડ જેવી રકમ જમા કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી, બોટ એસો.ના પ્રમુખ કનૈયાલાલ સોલંકી અને માજી સભાપતિ ભગુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આઝાદી બાદ પ્રથમ વખત સાગરખેડુઓના ખાતામાં આટલી મોટી રકમ જમા થઈ છે. બીજી તરફ વાવાઝોડાના કારણે દરિયામાં રેતીનો ભરાવો થયો હોય ડ્રેઝીંગના અભાવે માછીમારો માટે આગામી સિઝન મુશ્કેલ રહેશે.

1000 ખલાસીને બે- બે હજારની સહાય અપાઈ
જાફરાબાદના ફિશરીઝ અધિકારી તોરણીયાએ જણાવ્યું હતું કે આ વિસ્તારના 1000 ખલાસીઓને રૂપિયા બે બે હજાર લેખે સરકાર દ્વારા રૂપિયા 20 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે. - તોરણિયા, જાફરાબાદના ફિશરીઝ અધિકારી

અન્ય સમાચારો પણ છે...