રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાના કારણે છેલ્લા બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના માછીમારો મુશ્કેલીમાં મુકાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના 5 માછીમારો હજી લાપત્તા છે. ત્યારે અમરેલીના જાફરાબાદની પણ એક માછીમારી બોટ અને 8 માછીમાર લાપત્તા હોવાનું સામે આવ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા આ બોટ અને માછીમારોની શોધખોળ ચાલી રહી છે.
અતિભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપી દેવામા આવી છે. જેથી જાફરાબાદ બંદર પર 600 જેટલી બોટ લાંગરી દેવામા આવી છે. જો કે, જાફરાબાદના જેન્તીભાઈ દેવાભાઈ સોલંકીની ઓમ નમઃ શિવાય નામની બોટ અને 8 ખલાસી પરત ના આવતા પરિવારજનોમાં ચિંતા પ્રસરી છે.
માછીમાર એસોસિએશન દ્વારા કોસ્ટગાર્ડને જાણ કરતા કોસ્ટગાર્ડ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામા આવી છે. જાફરાબાદ બોટ એસોસિએશન પ્રમુખ કનેયાલાલ સોલંકી એ કહ્યું હતું કે, તમામ બોટ બંદર પર પહોંચી ગઈ છે પરંતુ હજુ 1 બોટ જાફરાબાદની લાપતા છે કોઈ કોન્ટેક નથી થતો 8 ખલાસી પણ સવાર છે. કોસ્ટગાર્ડ ને જાણ કરી દીધી છે તપાસ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.