ક્રાઇમ:જિલ્લામાં વ્યાજખોરી કરતા ત્રણ શખ્સો સામે પાસાનું વોરંટ ઇસ્યુ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોટા આંકડિયા અને રાજુલાના વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદો પણ નોંધાઇ હતી

સરકાર દ્વારા પાસાના કાયદામા કરેલી વિશિષ્ટ જોગવાઇઓ બાદ અમરેલી જિલ્લા કલેકટરે ગેરકાયદે વ્યાજ વટાઉનો ધંધો કરતા મોટા આંકડીયા અને રાજુલાના ત્રણ શખ્સો સામે પાસાનુ વોરંટ ઇસ્યુ કર્યુ છે. આ શખ્સોને અમદાવાદ, વડોદરા અને ભુજ જેલમા ધકેલવામા આવશે.

રાજય સરકાર દ્વારા પાસાના કાયદાની જોગવાઇઓને વધારે વિસ્તૃત બનાવાઇ છે. જેમા જુગાર રમાડનારાઓ તથા ગેરકાયદે વ્યાજ વટાઉનો ધંધો કરનારાઓને પણ પાસામા ધકેલવા જોગવાઇ કરાઇ છે. જે અંતર્ગત અમરેલી જિલ્લામા ત્રણ વ્યાજખોરો સામે પાસાની કાર્યવાહી હાથ ધરાઇ છે. અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામનો પ્રેમજી ઉર્ફે ગટીભાઇ વલ્લભભાઇ બાવીશી (ઉ.વ.59) નામનો શખ્સ ગેરકાયદે વ્યાજ વટાઉનો ધંધો કરતો હોય અને તેની સામે ગુનાઓ નોંધાયેલા હોય જિલ્લા કલેકટરે આ શખ્સને પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલમા ધકેલવાનો હુકમ કર્યો છે. આવી જ રીતે અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામનો જીલુ દાનાભાઇ ભુતૈયા (ઉ.વ.40) નામના શખ્સને આવા જ કારણોસર કલેકટરે વડોદરાની મધ્યસ્થ જેલમા ધકેલવાનો હુકમ કર્યો છે.

આ ઉપરાંત રાજુલાની બીડી કામદાર સોસાયટીમા રહેતો રજબઅલી ગુલામહુશેન રતનાણી (ઉ.વ.35) નામનો શખ્સ પણ ગેરકાયદે વ્યાજ વટાઉનો ધંધો કરતો હોય અને રાજુલા પોલીસમા તેની સામે ગુનો નોંધાયો હોય તેને પણ પાસા હેઠળ ભુજ જેલ હવાલે કરવા હુકમ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...